ધડોઈનો યુવાન હિરલ પટેલને કચીગામ નાઈટ શિફટ
કરી પરત ફરતા મોત ભેટી ગયું
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.07: વલસાડ અબ્રામા હાઈવે ઉપર આજે સોમવારે સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ધડોઈનો યુવાન નાઈટ શિફટ કરી ઘરે આવી રહ્યો હતો ત્યારે અન્ય બાઈક સાથે બાઈક ભટકાઈ હતી. અકસ્માતમાં યુવાન નીચે પડી ગયો ત્યારે પાછળથી આવી રહેલુ ટ્રેક્ટરનું ટાયર ફરી વળતા યુવાનનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું.
કરુણ અકસ્માતની વિગતો મુજબ ધડોઈ કુંભારવાડમાં રહેતો યુવાન હિરલ બલ્લુભાઈ પટેલ તેની બાઈક નં.જીજે 15 ડીએલ 3937 ઉપર કચીગામ ઓલ ટાઈમ પ્લાસ્ટીક કંપનીમાં નાઈટ શિફટ કરી આજે સવારે પરત આવી રહ્યો હતો. અબ્રામા વલસાડ હાઈવે ઉપર હિરલની બાઈક અન્ય બાઈક સાથે ભટકાતા નીચે પડી ગયો હતો તે દરમિયાન રોંગ સાઈડથી આવી રહેલટ્રેક્ટરના ટાયર નીચે હિરલ આવી જતા કમકમાટી ભર્યું કરૂણ મોત નિપજ્યું હતું. અકસ્માત સર્જી ટ્રેક્ટર ચાલક ફરાર થઈ ગયો હતો. પોલીસે એમ્બ્યુલન્સ બોલાવી લાશને સિવિલમાં મોકલી આપી આગળની તપાસ હાથ ધરી હતી.