પ્રધાનમંત્રી આવાસ યોજના મંજુર થયેલ રૂપિયાના વહેવાર માટે ઉપ સરપંચ હરીભાઈ સખારામ ગાંગોડેએ 5 હજાર માંગેલા
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.08: વલસાડ જિલ્લાની અનેક ગ્રામ પંચાયતોના સરપંચ-ઉપ સરપંચ દ્વારા લાંચ લેવાના કિસ્સા લગાતાર બની રહ્યા છે તેવો વધુ એક બનાવ કપરાડાના હુંડા ગામમાં બન્યો છે. પંચાયતનો ઉપ સરપંચ એ.સી.બી.ની ટ્રેપમાં રૂા.4 હજારની લાંચ લેતા આબાદ ઝડપાઈ ગયો છે.
જાગૃત નાગરિક ફરિયાદીના ભત્રીજાનું મકાન પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મંજુર થયેલ હતું. યોજનાના બે હપ્તા રૂા.1.10 લાખ જમા બેંકમાં થયા હતા તેના વહેવાર પેટે ફરિયાદી પાસે હુડા ગામના ઉપ સરપંચ હરીભાઈ સખારામભાઈ ગાંગોડે રૂા.5 હજાર માંગ્યા હતા. ફરિયાદી રૂા.1 હજાર આપેલા હતા. બાકીના પૈસા આપવા માંગતા નહોતા તેથી એ.સી.બી.માં ફરિયાદ કરી હતી. તે મુજબ એ.સી.બી.એ કપરાડા એસ.ટી. ડેપોમાં છટકું ગોઠવ્યું હતું. જેમાં ઉપસરપંચ રૂા.4000 ની લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ગયો હતો.