(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.04 : દાદરા નગર હવેલીના દાદરા ગામની સરલા પર્ફોર્મન્સ ફાઇબર્સ લિમિટેડ કંપનીના કર્મચારીઓએ વિવિધ મુદ્દાઓ અંગે લેબર વિભાગ અને જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી છે. રજૂઆતમાં જણાવ્યા મુજબ પગાર અને મિનિમમ મજૂરીના હિસાબે વધારો થવો જોઈએ,પગાર દર મહિને દસ તારીખ સુધીમાં થઈ જવો જોઈએ, જે કર્મચારીઓ ઘણા વર્ષોથી કામ કરતા હોય તેઓનો દર વર્ષે કંપની દ્વારા પગાર વધારવામાં આવે, સાથે હાઉસકિપિંગ કર્મચારીઓનો પણ પગાર વધારવામા આવે. દરેક કર્મચારીને સાર્વજનિક અવકાશના દિવસે વેતન ભરીને આપવામાં આવે, દર મહિનાની ચાર વીકલી ઓફ પણ ભરી આપવામાં આવે. બોનસ કર્મચારીઓને પેમેન્ટ ઓફ બોનસ એક્ટ 1965 મુજબ દર વર્ષે આપવામાં આવે.
વધુમાં કોન્ટ્રાક્ટ હેઠળ કામ કરતા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુકવાની ધમકી આપવામાં આવે છે એને બંધ થવું જોઈએ, સંજય કોન્ટ્રાક્ટર અને શ્યામરાવ કોન્ટ્રાક્ટર અમને ધમકી આપે છે, ગણેશ ચતુર્થીના સમયે કર્મચારીના પગારમાંથી એક દિવસનો પગાર અમારી મરજી વિરુદ્ધ કાપી લે છે જે ગેરકાયદેસર છે. કર્મચારીઓનું પ્રોવિડન્ટ ફંડ કાપવામાં આવે છે પરંતુ જ્યારે એ અંગે પૂછપરછ કરવામાં આવે ત્યારે યોગ્ય જવાબ આપવામા આવતો નથી. જે આપવામાં આવે અને સાથે દર મહિને ફરજીયાત પગાર સ્લીપ કર્મચારીઓને આપવામાં આવે. ઉપરાંત કંપનીમાં કોઈપણ નિયમ લાગુ કરવા પહેલા કર્મચારીઓને એક અઠવાડિયા પહેલા જાણ કરવામા આવે વગેરે જેવા કંપનીના કર્મચારીઓએ એમના વિવિધ મુદ્દાઓને લઈને દાનહ જિલ્લા કલેક્ટર શ્રી પ્રિયાંક કિશોરને રજૂઆતકરી છે. જે બાબતે કલેક્ટરશ્રીએ કંપનીના કર્મચારીઓને તેમના પ્રશ્નોનો યોગ્ય ઉકેલ લાવવાની બાહેંધરી આપી છે.