(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.29: વાપી ખાતે આવેલ સમર્પણ જ્ઞાન સ્કૂલમાં 14મી સપ્ટેમ્બરને ગુરૂવારના રોજ હિન્દી દિવસ ઉજવવામાં આવ્યો હતો. જેથી બાળકો રાષ્ટ્રભાષા હિંદીને વધુ ઉંડાણપૂર્વક જાણે અને સમજે તેમજ હિન્દી ભાષાના કોઈ પણ ક્ષેત્રમા સિધ્ધિ હાંસલ કરી દેશનું નામ રોશન કરે. માનવને માનવ સાથે જોડતી હિન્દી ભાષા પ્રત્યે બાળકોને વાળવા માટે શાળામા હિન્દી પખવાડાનું આયોજન કરાયું જેની અંદર હિન્દી ભાષાને લગતી ધોરણવાર વિભિન્ન પ્રવૃત્તિ કરાઈ હતી. જેમા કહાની કથન, કવિતા ગાયન, નારા લેખન, નિબંધ લેખન, ‘હિન્દી દિવસ’ શબ્દોનું આકર્ષક રૂપે અક્ષર લેખન, વાદ વિવાદ સ્પર્ધા, વકતૃત્વ સ્પર્ધા અને હિંદી નાટક જેવી પ્રવૃત્તિઓ કરાવાઇ હતી. પ્રવૃત્તિ દરમિયાન સ્પર્ધામાં વિજેતા થનાર બાળકોને પ્રોત્સાહિત કરવા પ્રમાણપત્ર પણ આપવામાં આવ્યા હતા. સ્કૂલફાઉન્ડર ટ્રસ્ટી લાયન શ્રી મુકેશ પટેલે હિન્દી પખવાડા ઉજવવા પાછળના હેતું જણાવતા કહ્યુ કે ‘‘અંગ્રેજી માધ્યમમાં ભણતા બાળકોને રાષ્ટ્રભાષા હિન્દીનું જ્ઞાન હોવું જરૂરી છે અને હિન્દી ભાષાને માન આપવું એ પણ હર ભારતીયની ફરજ છે તો આવનારી પેઢીને નાનપણથી આવા સંસ્કાર આપવા જરૂરી છે. શાળામાં દર વર્ષે હિન્દી દિવસ ખૂબ જ ઉત્સાહપૂર્વક ઉજવાય છે અને બાળકો હિન્દી પખવાડાની રાહ પણ જોતા હોય છે. આ સમગ્ર કાર્યક્રમ સ્કૂલ ચેઅરપર્સન લાયન શ્રીમતી હિના પટેલના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યો હતો.