નવસારી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા મહાઅભિયાનને સફળ બનાવવા નવસારીના નાગરિકોને અપીલ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી (વંકાલ), તા.29: નવસારી જિલ્લામાં ‘‘સ્વચ્છતા હી સેવા” અભિયાન અંતર્ગત 1 ઓક્ટોબરના રોજ સવારે 10.00 વાગ્યાથી એક કલાક માટે નવસારી જિલ્લાના ગામોમાં તથા નગરોમાં એક કલાકના મહાશ્રમદાન કાર્યક્રમમાં સ્વચ્છતાલક્ષી કાર્યક્રમો યોજાશે.
સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ હેઠળ યોજાનાર મહાશ્રમદાનમાં નવસારી જિલ્લાના જનપ્રતિનિધિઓ, જિલ્લા/તાલુકા પંચાયતોના પદાધિકારીઓ અને સભ્યો, સરપંચો અને ગ્રામ પંચાયત સભ્યો સહિતના આગેવાનો ‘‘એક તારીખ, એક કલાક મહાશ્રમદાન” સૂત્ર સાથે સવારે 10.00 વાગે મેગા સ્વચ્છતા ઝુંબેશમાં જોડાશે. આ અવસરે નવસારી જિલ્લાના તમામ ગામ તથા શહેરી વિસ્તારોમાં વોર્ડ વાઈઝ લોકભાગીદારી સાથે ‘‘એક તારીખ, એક કલાક મહાશ્રમદાન” સૂત્ર સાથે સાફ-સફાઈ અભિયાન થશે.
એક કલાકના મહાશ્રમદાન અભિયાનહેઠળ નવસારી જિલ્લાના તમામ ગામોના વિસ્તારોમાં દરેક ગામ, આરોગ્ય કેન્દ્ર, આંગણવાડી, શાળા, વિવિધ કચેરીઓના પ્રાંગણ, આસપાસના વિસ્તારો, પ્રવાસન સ્થળો, દરિયાકિનારા, ગૌ-શાળા, બસ સ્ટેન્ડ, ધાર્મિક સ્થળો વગેરે જગ્યાઓ પર વિવિધ સ્થળોએ મહાશ્રમદાન સહ મેગા સફાઈ ઝુંબેશ થશે.
તા.2જીએ પૂ.મહાત્મા ગાંધીની જન્મજયંતિને નિમિતે જનભાગીદારી દ્વારા ગામોમાં પ્રભાત ફેરી, ગ્રામ સભા, રંગોળી સ્પર્ધા તથા સ્વચ્છતા અભિયાન, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો તથા સામૂહિક આરોગ્ય કેન્દ્રોમાં હેલ્થ ચેકઅપ કેમ્પ સહિતના કાર્યક્રમો યોજાનાર છે.
જિલ્લાના સૌ નાગરિકો ઘરથી ગામ, ગામથી તાલુકો, તાલુકાથી જિલ્લો, જિલ્લાથી રાજ્ય અને રાજ્યથી આપણા ભારત દેશને સ્વચ્છ બનાવવાના માટે એક કલાકના મહા-શ્રમદાન અભિયાનમાં જોડાવવા માટે નવસારી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા સૌને અપીલ કરવામાં આવે છે.