(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
પારડી, તા.29: પારડીના ટુકવાડા ખાતે આવેલ અવધ ઉટોપિયામાં ગત તા.25 ઓગસ્ટના રોજ બંગલા નં.બી-467 માં રાત્રી દરમિયાન કોઈ ચોર ઈસમ રૂમની સ્લાઈડિંગ બારી ખોલી ઘરમાં પ્રવેશી રોકડ અને મોબાઈલ ફોન તેમજ સોનાની ચેઈન મળી કુલ 1.20 લાખની ચોરી કરી જતાં પારડી પોલીસ મથકે આ અંગેની ફરિયાદ નોંધાવા પામી હતી. ચોરો સુધી પહોંચવા પારડી પોલીસ અને એલસીબી ટીમની તપાસ દરમિયાન એલસીબીને આ ઘરફોડ ચોરીમાં ચોરાયેલો ફોન સુરતમાં ઓન થયો હોવાનું જણાતા તાત્કાલિક ટીમ સુરત પહોંચી ચોરેલો ફોન વાપરતા સોહેલ વહાબઅલી રાનામંડલ રહે.સુરત, ભાગળ, સૈયદપૂરા પોલીસ ચોકીની બાજુમાંની ધરપકડ કરી પારડી પોલીસને કબજો સોંપવામાં આવ્યો છે. પારડી પોલીસે આ ફોન એ કયાંથી લાવ્યો, કોની પાસેથી લીધો, કે પછી આ ચોરીમાં એ પોતે પણ સામેલ હતો કે કેમ? તેમજ ચોરીમાં અન્ય કોણ કોણ સામેલ હતું જેવા અનેક પ્રશ્નો સાથે પૂછપરછ હાથધરાઈ રહી છે. આમ પોલીસને એક કળી મળતા ચોરીનો ગુન્હો ઉકેલાઈ જશે એમાં કોઈ બેમત નથી.