હાલ દરરોજ 2.5 લાખ લિટર પાણી પુરવઠા બોર્ડ અને 1 લાખ લિટર પાણી પાલિકા દ્વારા અપાય છે જેમાં પાણી પુરવઠા બોર્ડ દ્વારા વધુ 30 ટકા પાણીભાગડાખુર્દ ગામને અપાશે
‘‘નલ સે જલ” અંતર્ગત 1.90 લાખ લીટરનો ભૂગર્ભ સંપ તેમજ પ.પ લાખ લીટર અને 3.5 લાખ લીટરની ટાંકીની બાંધકામની કામગીરી પૂર્ણ, હવે 1000 મીટરની આંતરિક વિતરણ પાઈપલાઈન નંખાશે
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.11: વલસાડ તાલુકાના ભાગડાખુર્દ (હનુમાનભાગડા) ગામમાં પીવાના પાણીના પ્રશ્નના મુદ્દે સરપંચ અને ગ્રામજનોએ કલેકટર કચેરી ખાતે ધરણા કર્યા હતા. જે બાબતે જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રે અને જિલ્લા વિકાસ અધિકારી મનિષ ગુરવાનીના સીધા માર્ગદર્શન હેઠળ વલસાડ પ્રાંત અધિકારી આસ્થા સોલંકીના અધ્યક્ષતામાં મહત્વની બેઠક મળી હતી. જેમાં આ સમસ્યાના ઉકેલ માટે પ્રાથમિકતા આપી અગત્યના સૂચનો કરવામાં આવ્યા હતા.
ભાગડાખુર્દ ગામના સરપંચ પ્રીતિબેન પટેલ સાથે ગામના આગેવાનો દ્વારા પીવાના પાણીની સમસ્યા અંગે ચર્ચા કરતા ગામમાં પાણીનો પુરવઠો પુરતા પ્રમાણમાં મળી રહે તો ગામના હયાત 12 ઝોનમાં પાણી નિયમિત મળી રહે. કલેકટર દ્વારા ગ્રામ પંચાયત, પાણી પુરવઠા અને નગરપાલિકાના કર્મચારીઓની ટીમ બનાવી દરરોજના પાણીના આવકનું રજિસ્ટર નિભાવવા સૂચન કરાયું હતું. પાણી પુરવઠા બોર્ડ અને નગરપાલિકાની પાઈપ લાઈનમાં વોટર મીટર (ફલોમીટર) લગાવવા માટેની સૂચના આપવામાંઆવી હતી. જેના અમલીકરણ અધિકારી તરીકે પાણી પુરવઠા વિભાગને જવાબદારી સોંપાય હતી. પાણી પુરવઠા બોર્ડ અને નગરપાલિકા દ્વારા નવો ડબલ્યુ ટીપી પ્લાન મંજૂર કરવામાં આવ્યો છે. ગામમાં હાલ દરરોજ 2.5 લાખ લિટર પાણી પુરવઠા બોર્ડ દ્વારા અને 1 લાખ લિટર પાણી વલસાડ પાલિકા દ્વારા ગામના હયાત સ્ટોરેજમાં આપવામાં આવે છે. જેમાં પાણી પુરવઠા બોર્ડ દ્વારા 30 ટકા વધુ પાણી આપવાનું આયોજન બેઠકમાં કરાયું હતું.
પ્રાંત અધિકારીએ ગ્રામ પંચાયત કક્ષાએ પાણી સમિતિ દ્વારા મરામત અને નિભાવણી અંગેની જવાબદારી અંગે ચર્ચા કરી પાણી પુરવઠા અને પાલિકા દ્વારા આપવામાં આવતા પાણી પુરવઠાનું વ્યવસ્થાપન કરવા જણાવ્યું હતું. જેના અમલીકરણ અધિકારી તરીકે તલાટી કમમંત્રીને જવાબદારી સોંપાય હતી. વધુમાં પાણી પુરવઠા દ્વારા જે પાણી આપવામાં આવે છે તેનું ગ્રામ પંચાયત દ્વારા વિતરણ કરવામાં આવે છે તેનું રજિસ્ટર પંચાયત દ્વારા બનાવી તેની નિભાવણી કરવા ગ્રામ પંચાયતને જણાવ્યું હતું. આ સિવાય ગ્રામ પંચાયત કક્ષાએ પાણી સમિતિનું તાત્કાલિક ધોરણે ગઠન કરવા સૂચન કર્યુ હતુ.
હાલમાં ‘‘નલ સે જલ” કાર્યક્રમ અંતર્ગત ઓગમેન્ટેંશન કાર્યક્રમ અંતર્ગત માછીવાડ વિસ્તારમાં 1.90 લાખ લીટરનો ભૂગર્ભ સંપ તેમજ પ.પ લાખલીટરની ઊંચી ટાંકી તેમજ તળાવ ફળિયા વિસ્તારમાં 3.5 લાખ લીટરની ઊંચી ટાંકીની બાંધકામની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. હવે ગ્રામ પંચાયત વિસ્તારમાં 1000 મીટર આંતરિક વિતરણ પાઈપ લાઈન નાંખવાથી કેટલાક વધુ સારી રીતે પાણી આપી શકાશે. જે માટે તાલુકા વિકાસ અધિકારી દ્વારા રૂ.5 લાખ સુધીની વહિવટી મંજૂરી ગ્રામ પંચાયતને આપવા અને આ કામ 15 માં નાણાં પંચ અન્વયે ડેવલપમેન્ટ પ્લાનમાં સમાવેશ કરવા સૂચન આપી હતી. જેના અમલીકરણ અધિકારી તરીકે તાલુકા પંચાયતને જવાબદારી સોંપાય હતી.
ઉપરોક્ત મુજબની સૂચનાઓનું તાત્કાલિક ધોરણે અમલીકરણ કરવામાં આવે અને આગામી તા.29 જાન્યુ. 2024ના રોજ ગ્રામ પંચાયત ખાતે પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં સૂચના મુજબ થયેલી કામગીરીઓ માટે પુનઃ સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવશે.
બેઠકમાં પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના કાર્યપાલક ઈજનેર, વાસ્મોના નાયબ કાર્યપાલક ઈજનેર, વલસાડ પાલિકાના ટેકનિકલ અધિકારી અને તાલુકા વિકાસ અધિકારી તેમજ ગામના સરપંચ, સભ્યો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.