(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ),તા.12: ચીખલી તાલુકામાં 81 જેટલી સસ્તા અનાજની દુકાનના 32 હજાર આસપાસના રેશનકાર્ડ ધારકોને ઘઉં, તેલ, તુવેરદાળ, ચોખા, ખાંડ વિગેરે પૂરું પાડવામાં આવે છે. જેને લઈને ગરીબ પરિવારોને મોટી રાહત થતી હોય છે. જેમાં તુવેરની દાળ રેશનકાર્ડ દીઠ એક કિલોગ્રામ જેટલી આપવામાં આવે છે. પરંતુ છેલ્લે મે મહિનામાં રેશનકાર્ડ ધારક પરિવારોને તુવેરદાળ મળ્યા બાદ તુવેરદાળનો જથ્થો આવતો બંધ થઈ જતા છેલ્લા પાંચેક માસથી ગરીબ મધ્યમ વર્ગના પરિવારોને તુવેરદાળ મળી નથી. જેને પગલે આ પરિવારોને હાલાકી વેઠવાની નોબત આવી છે.જૂન, જુલાઈ, ઓગષ્ટ, સપ્ટેમ્બર બાદ હાલ ઓક્ટોબર માસમાં પણ તુવેરની દાળનો જથ્થો સરકારી અનાજના ગોડાઉન પર આવ્યો નથી. ચાલું માસ માટે પરમીટ મળતા રેશનકાર્ડ ધારકો દ્વારા ચલણ પણ ભરી દેવામાં આવ્યું હોવાનું જાણવા મળેલ છે. તેમ છતાં ચાલુ માસે આજદિન સુધી તુવેરદાળનો જથ્થો આવ્યો નથી.
હાલે તહેવાર પણ નજીક હોય તેવા સંજોગોમાં ગરીબ મધ્યમવર્ગના રેશનકાર્ડ ધારક પરિવારોને તહેવાર ટાણે તુવેરદાળ ઉપલબ્ધ થાય તે પ્રકારનું તંત્ર દ્વારા આયોજન હાથ ધરવામાં આવે તે જરૂરી છે.
ચીખલી એફસીઆઈના ગોડાઉન મેનેજર જીજ્ઞેશભાઈના જણાવ્યાનુસાર તુવેરદાળનો જથ્થો છેલ્લે મે માસમાં આવ્યો હતો. હાલે પરમીટ આપેલી છે. પરંતુ હમણાં સુધી જથ્થો આવ્યો નથી.