લક્ઝરીનું ટાયર ફાટયા બાદ શોર્ટ સર્કિટને લઈ બની આગની ઘટના
ઘોર નિંદ્રામાં સૂતેલા ૧૮ પેસેન્જરોમાં મચી અફરાતફરી
કોઈ જાનહાની નહીં પરંતુ લાખોનો સામાન બળીને ખાક
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
પારડી, તા.20: ભાગ્ય લક્ષ્મી ટ્રાવેલ્સની એઆર 01 પી 8197 નંબરની એક એસી લક્ઝરી બસ અમદાવાદથી કર્ણાટક જવા માટે નીકળી હતી.
સુરત પહોંચતા ડ્રાઈવરે આ લક્ઝરીમાં મુંબઈમાં ફેરી ફરી છૂટક સાડીનો ધંધો કરતા વેપારીઓને આઠથી દસ લાખના સાડીના પાર્સલ સાથે મુંબઈ આવવા માટે 500 રૂપિયા જેટલું ભાડું લઈ લક્ઝરીમાં બેસાડ્યા હતા. પરંતુ તેઓને કોઈ ટિકિટ આપવામાં આવી ન હતી.
સુરતથી જમ્યા બાદ નીકળેલી આ લક્ઝરી બસ પારડીના ખડકી હાઈવે સ્થિત રેમન્ડ કંપનીની સામેના બ્રિજ પરથી પસાર થતાંલક્ઝરીનું ટાયર ફાટયા બાદ શોર્ટ સર્કિટને લઈ લક્ઝરીમાં આગ ફાટી નીકળી હતી.
અચાનક લક્ઝરીમાં આગ લાગવાની ઘટનાને લઈ બસમાં ઘોર નિંદ્રામાં સૂતેલા 18 જેટલા પેસેન્જરોમાં અફરાતફરી મચી ગઈ હતી પરંતુ આ તમામ પેસેન્જરોનો આબાદ રીતે બચાવ થયો હતો.
જોતજોતામાં આ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા વલસાડ પારડી અને વાપી જેવા સ્થળેથી આવેલ ફાયરની ટીમોના સતત પ્રયત્નો છતાં આ બસ બળીને ખાક થઈ જતા બસમાં રાખવામાં આવેલ મુંબઈના સાડીના વેપારીઓના 8 થી 10 લાખના સાડીના પાર્સલ સહિત તમામ સામાન બળીને ખાક થઈ ગયો હતો.
ઘટનાની જાણ થતા પારડી પોલીસ અને પારડી મામલતદાર આર. આર. ચૌધરી પણ ઘટના સ્થળે ઘસી ગયા હતા.