(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.06: સરકારના ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ વિભાગ દ્વારા ખનીજ વહન કરતા વાહનોમાં જીપીએસ ફરજિયાત કરાતા ચીખલીમાં દિવાળીના તહેવાર ટાણે જ ટ્રકોના પૈંડા થંભી જતા ધંધા રોજગારને વિપરીત અસર થતા ટ્રાન્સપોર્ટરોનો તહેવાર બગડે તેવો ઘાટ સર્જાવા પામ્યો છે.
સરકારના ખનીજ વહન કરતાં વાહનોમાં ફરજિયાત જીપીએસથી દિવાળીના તહેવાર ટાણે ખાસ કરીનેટ્રાન્સપોર્ટરોને મોટું આર્થિક નુકસાન વેઠવાની નોબત આવી છે. જીપીએસ લગાવવા માટે ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ વિભાગ દ્વારા 12-જેટલી એજન્સીઓ અધિકળત કરી ફરજીયાત આ એજન્સીઓ મારફત જ જીપીએસ લગાવવાનું ફરજિયાત કરાયું છે. અને હાલે આ એજન્સીઓ પાસે જીપીએસનો દુકાળ સર્જાતા પૈસા ખર્ચાતા પણ વાહન માલિકો પોતાના વાહનમાં જીપીએસ લગાવી શકતા ન હોવાની પણ ફરિયાદ ઉઠવા પામી છે.
આ ઉપરાંત ચીખલીમાં ખનીજ વહન કરતી 700-થી વધુ ટ્રકોમાં જીપીએસ લાગી ગયા હોવા છતાં પણ રોયલ્ટી નીકળતી નથી. અને આ અંગે સબંધિત વિભાગના અધિકારીઓ એકબીજાને ખો આપતા આ સમસ્યાનો પણ નિરાકરણ ન આવતા હજારો ટ્રકોના પૈંડા થંભી જવા પામ્યા છે.
આમ તો નવી ટ્રકોમાં કંપનીમાંથી જીપીએસ સિસ્ટમ લાગેલી હોય છે પરંતુ તેને માન્ય ન રાખી સરકાર દ્વારા અધિકળત કરાયેલ એજન્સી પાસે ફીટ કરાવેલી જીપીએસ જ માન્ય રાખવામાં આવતા તંત્રના કારભાર સામે અનેક સવાલો ઉભા થવા પામ્યા છે જે ટ્રકોમાં જીપીએસ લાગેલા જ હોય તેને પોર્ટલ પર ચઢાવી રજીસ્ટ્રેશનની પ્રક્રિયા કરી દેવી જોઈએ પરંતુ તેમ પણ કરવામાં ન આવતા વાહન માલિક કોની હાલત કફોડી થવા પામી છે. જે જીપીએસ બજાર 2500 થી 3000 રૂપિયામાં ઉપલબ્ધ થાય છે તે અધિકળત એજન્સી પાસેકરાવો તો 10 થી 15 હજાર રૂપિયા વસૂલવામાં આવી રહ્યા હોવાની પણ વાહન માલિકોમાં બૂમરાણ ઉઠવા પામી છે. ત્યારે ખરેખર એ સત્ય હોય તો આવી ઉઘાડી લૂંટ કરવાની સત્તા કોણે આપી? આ ઈજારાથી કોને આર્થિક ફાયદો થઈ રહ્યો છે રાજ્યમાં ખનીજ વહન કરતા હજારોની સંખ્યામાં વાહનો છે ત્યારે કોઈ મોટા માથાના આશીર્વાદથી કે કોઈ કૌભાંડતો નથી આચરવામાં આવી રહ્યું ને ? તેવા અનેક સવાલો ઉભા થવા પામ્યા છે. ત્યારે સમગ્ર બાબતે નિષ્પક્ષ તપાસ જરૂરી છે.
ફરજિયાત જીપીએસની અસર ક્વોરી લિઝ ધારકો માલિકોને પણ થવા પામી છે. જીપીએસ વિનાના વાહનમાં રોયલ્ટી ઈસ્યુ કરેલ હોય તેવી ક્વોરીઓનો કયુએલ બંધ કરી દેવાતા રોયલ્ટી પાસ ઈસ્યુ ન થતા ક્વોરી સંચાલકો માલિકોને પણ આર્થિક નુકશાન વેઠવાની નોબત આવી છે.
સરકાર દ્વારા જીપીએસ માટેના ભાવમાં મનમાની બાબતે અને જીપીએસ જેમાં લાગી ગયા છે તે વાહનોમાં પણ રોયલ્ટી ન નીકળવા અંગે તથા સર્વરમાં લોગીન ન થવા સહિતની બાબતોમાં યોગ્ય તપાસ કરાવી હકારાત્મક નિરાકરણ લાવી અગાઉ પણ મુદત આપી છે ત્યારે ફરી મુદત આપવામાં આવે એવી માંગ ઉઠવા પામી છે.
