Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

આઝાદ ભારતમાં 1951 થી અત્‍યાર સુધીમાં લોકસભાની 17 ચૂંટણીમાં વલસાડ બેઠકનો દબદબો    

1951માં પ્રથમ ચૂંટણી વખતે 861336 મતદારો સાથે ગૌરવશાળી લોકશાહીના મહાપર્વની થઈ હતી શરૂઆત 

વલસાડ જ્‍યારે સુરતમાં હતું ત્‍યારે બે બેઠક પર ચૂંટણી થતી અને બંને બેઠક સામાન્‍ય હતી 

1957માં બીજી ચૂંટણીમાં વલસાડ બેઠક અ.જ.જા. તરીકે સુરતથી અલગ પડતા મતદારો ઘટીને 389567 થયા

સ્‍વતંત્ર ભારતમાં 77 વર્ષ બાદ વલસાડ બેઠક પર હાલ વર્ષ 2024માં 1848211 મતદારો નોંધાયા 

સૌથી વધુ વિક્રમી મતદાન 2019માં 75.48 ટકા અને સૌથી ઓછું મતદાન 1991માં 35.23 ટકા થયું હતું

– વિશેષ અહેવાલઃ જિજ્ઞેશ સોલંકી
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.29: વર્ષ 1947માં ભારત અંગ્રેજોની ગુલામીમાંથી મુક્‍ત થયા બાદ વિશ્વમાં સૌથી મોટા લોકતાંત્રિક દેશ તરીકે ઓળખાતા ભારત દેશમાં પ્રથમ લોકસભાની સામાન્‍ય ચૂંટણી વર્ષ 1951માં થઈ હતી, તે સમયે વલસાડ જિલ્લો તેમજ ગુજરાતનું અસ્‍તિત્‍વ ન હતું. હાલના વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લાનો સમાવેશ સુરત જિલ્લામાં થતો હતો અને સુરતનો સમાવેશ બોમ્‍બે રાજ્‍યમાં થતો હતો ત્‍યારે સુરત લોકસભા બેઠકમાં બે સામાન્‍ય બેઠક હતી. આગામી તા.7 મે 2024ના રોજ વલસાડ જિલ્લામાં18મી લોકસભાની સામાન્‍ય ચૂંટણી થવા જઈ રહી છે ત્‍યારે આઝાદીના 77 વર્ષ દરમિયાન અત્‍યાર સુધીની 17 લોકસભા સામાન્‍ય ચૂંટણીના લેખા જોખા અને વલસાડ લોકસભા બેઠક સાથે જોડાયેલી રસપ્રદ માહિતી વલસાડ બેઠકના ભૂતકાળને જાણવા માટે મતદારોમાં ઉત્‍સુકતા જગાવે તેવી છે.
આઝાદ ભારતમાં પ્રથમવાર 1951માં થયેલી વિશ્વની સૌથી મોટી અને સૌથી જૂની લોકશાહીની ઓળખ સમાન લોકસભાની ચૂંટણીમાં 11-સુરતની બે સામાન્‍ય બેઠક પર મતદાન થતા 861336 મતદારોએ પોતાના બહુમૂલ્‍ય મતાધિકારનો ઉપયોગ કરતા 57.80 ટકા મતદાન નોંધાયું હતું. ત્‍યારબાદ સ્‍વતંત્ર ભારતમાં પ્રજાને પોતાના એક એક મતનું મહત્‍વ અને તેની શક્‍તિ સમજાતા 1957ની બીજી લોકસભા સામાન્‍ય ચૂંટણીમાં મતદાનની ટકાવારી વધી હતી. તે સમયે પ્રચાર પ્રસારના પૂરતા માધ્‍યમ ન હતા પરંતુ પ્રજાને લોકશાહીનું મૂલ્‍ય સમજાતા મતદાન વધ્‍યું હતું. ઈતિહાસની તવારીખમાં જોઈએ તો આ જ સમય ગાળામાં બીજી રસપ્રદ વાત એ બની હતી કે, આ જ ચૂંટણીમાં 21- વલસાડ(અ.જ.જા) લોકસભા બેઠક અસ્‍તિત્‍વમાં આવી હતી અને તા.25 ફેબ્રુઆરી 1957ના રોજ બીજી લોકસભા સામાન્‍ય ચૂંટણી માટે મતદાન થતા 389567 મતદારોમાંથી 247069 મતદારોએ મતદાન કરતા 63.42 ટકા મતદાન થયું હતું.
તા.1 મે 1960નારોજ બોમ્‍બે રાજ્‍યનું વિભાજન થતા ગુજરાત રાજ્‍ય અસ્‍તિત્‍વમાં આવ્‍યા બાદ વર્ષ 1962માં ત્રીજી લોકસભાની સામાન્‍ય ચૂંટણી તા.19 ફેબ્રુઆરી 1962ના રોજ થઈ હતી. તે સમયે 64.81 ટકા મતદાન થયું હતું. તા.1 જૂન 1966ના રોજ સુરતમાંથી વલસાડ જિલ્લાને છૂટો પાડવામાં આવ્‍યો હતો ત્‍યારે હાલનો નવસારી જિલ્લો પણ વલસાડમાં જ સમાવિષ્ટ હતો. સુરત અને વલસાડ જિલ્લો છૂટો પડ્‍યા બાદ ચોથી લોકસભા સામાન્‍ય ચૂંટણી તા. 15 ફેબ્રુઆરી 1967ના રોજ થઈ હતી. ત્‍યારે નોંધાયેલા 465000 મતદારોમાંથી 288574 મતદારોએ મતદાન કરતા 62.06 ટકા મતદાન નોંધાયું હતું. ત્‍યારબાદ તા.2 ઓક્‍ટોબર 1997ના રોજ વલસાડમાંથી નવસારી જિલ્લાનું વિભાજન થયા બાદ તા.28 ફેબ્રુઆરી 1998ના રોજ બારમી લોકસભાની ચૂંટણી થતા વલસાડ-ડાંગ જિલ્લાની 26-વલસાડ લોકસભાની બેઠક પર 1133266 મતદારોમાંથી 640529 મતદારોએ મતદાન કરતા 56.52 ટકા મતદાન થયું હતું.
અત્‍યાર સુધીમાં કુલ 17 વાર લોકસભા સામાન્‍ય ચૂંટણી થઈ ચૂકી છે જેમાં વલસાડ બેઠકની વાત કરીએ તો લોકસભાની વલસાડ બેઠક પર સૌથી વધુ વિક્રમી મતદાન 2019માં 17મી લોકસભાની સામાન્‍ય ચૂંટણીમાં 75.48 ટકા જેટલું થયું હતું. જ્‍યારે સૌથી ઓછુ મતદાન 1991માં 10મી લોકસભાની સામાન્‍યચૂંટણી વખતે માત્ર 35.23 ટકા મતદાન થયું હતું અને હવે આગામી તા.7 મે ના રોજ 18મી લોકસભાની સામાન્‍ય ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્‍યારે 77 વર્ષના આ સમયગાળામાં પ્રથમ લોકસભા ઈલેકશનમાં 861336 મતદારોએ મતદાન કર્યું હતું. ત્‍યારે આગામી 18મી લોકસભાની ચૂંટણીમાં 1848211 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી ભારતની ગૌરવશાળી લોકશાહીને જીવંત રાખવા પોતાનું બહુમૂલ્‍ય યોગદાન આપશે.
ઉલ્લેખનીય છે કે, આ સમયગાળામાં સૌથી વધુ મતદારો 18મી લોકસભા ચૂંટણીમાં નોંધાયા છે અને દેશ આઝાદ થયા બાદ થયેલી -થમ લોકસભાની ચૂંટણીથી લઈને અત્‍યાર સુધીની ચૂંટણીમાં વલસાડ બેઠકનો દબદબો અને અસ્‍તિત્‍વ દરેક લોકસભાની ચૂંટણીમાં જોવા મળ્‍યું છે.

26-વલસાડ બેઠક 1977માં આવી હતી અસ્‍તિત્‍વમાં 

પ્રવર્તમાન 26-વલસાડ (એસટી) બેઠક 1951માં વલસાડ સુરત જિલ્લો અને બોમ્‍બે રાજયમાં સમાવિષ્‍ટ હોવાથી 11-સુરત લોકસભા બેઠક તરીકે ઓળખાતી હતી. ત્‍યારબાદ 1957ની લોકસભા સામાન્‍ય ચૂંટણીમાં 21-વલસાડ (અ.જ.જા) લોકસભા બેઠક અસ્‍તિત્‍વમાં આવી હતી. 1962માં 22-વલસાડ (એસટી), 1967માં 24-વલસાડ (એસટી) નામે બેઠક ઓળખાતી હતી. છેવટે વર્ષ 1977 થી 26-વલસાડ (એસટી) સીટ તરીકે જાહેર થઈ હતી.જે આજ પર્યંત ચાલુ છે. 

વર્ષ 1991માં મહિલા મતદારોએ જ્‍યારે 1977માં પુરૂષ મતદારોએ સૌથી ઓછું મતદાન કર્યું

વર્ષ 1977 થી વર્ષ 2004 દરમિયાન 9 લોકસભા સામાન્‍ય ચૂંટણી થઈ હતી. આ ચૂંટણીઓમાં વલસાડ બેઠક પર કુલ 4353427 પુરૂષ અને 4256433 મહિલા મતદારો મળી કુલ 8609860 મતદારો નોંધાયા હતા. જેમાંથી 2303029 પુરૂષ અને 1950931 મહિલા મતદાર મળી કુલ 4253960 મતદારોએ લોકસભાની ચૂંટણી દરમિયાન પોતાના કિંમતી મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીને ધબકતી રાખી હતી. 27 વર્ષના આ સમયગાળામાં કુલ 8 લોકસભાની ચૂંટણી થઈ જેમાં સૌથી ઓછા મતદાનની વાત કરીએ તો, વર્ષ 1991માં થયેલી ચૂંટણીમાં નોંધાયેલા 477775 મહિલા મતદારોમાંથી 141224 મહિલાઓએ સૌથી ઓછુ મતદાન કર્યું હતું. જ્‍યારે પુરૂષોના સૌથી ઓછા મતદાનની વાત કરીએ તો 1977માં નોંધાયેલા 277097 મતદારોમાંથી 170455 પુરૂષ મતદારોએ મતદાન કર્યું હતું.

વલસાડ બેઠક પર થયેલી લોકસભાની ચૂંટણી ઈતિહાસની તવારીખમાં 

1977 થી 2004 સુધીની લોકસભાની ચૂંટણીમાં વલસાડ બેઠક પર નોંધાયેલા મતદારો 

Related posts

વલસાડ રૂરલ પોલીસમાં પ્રોહિબિશનના ગુનામાં ઝડપાયેલી મુદ્દામાલની કાર ચોરાઈ

vartmanpravah

સાયલી નહેર નજીકથી મળી આવેલી લાશ પ્રકરણમાં દાનહ પોલીસે ત્રણ આરોપીઓની કરેલી ધરપકડ

vartmanpravah

કપરાડાના નારવડમાં મૃત દિપડાનું ચામડું તથા પંજા કાપી વેચવાની તજવીજ કરતા 7 ઝડપાયા

vartmanpravah

લોક કલ્‍યાણકારી બજેટઃ અમૃત કાળની મજબૂત આધારશીલા રાખવાની સાથે આત્‍મનિર્ભર ભારતના સંકલ્‍પને ઔર ગતિ આપશેઃ પ્રદેશ ભાજપ પ્રમુખ દીપેશ ટંડેલ

vartmanpravah

દમણ નેહરુ યુવા કેન્‍દ્ર દ્વારા સ્‍પોર્ટ્‍સ મીટ યોજાઈ

vartmanpravah

વાપી ફેલોશીપ સ્‍કૂલ દ્વારા આયોજિત આંતર સ્‍કૂલ વક્‍તૃત્‍વ સ્‍પર્ધામાં હરિયા સ્‍કૂલ ટોપ રહી

vartmanpravah

Leave a Comment