(વર્તમાન પ્રવાહ ન્યુઝનેટવર્ક)
ચીખલી (વંકાલ), તા.27: ચીખલી તાલુકામાં છેલ્લા ઘણા દિવસોથી વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદના ઝાપટાથી જ સંતોષ માનવો પડે તેવી સ્થિતિ હતી. આ દરમ્યાન મંગળવારના રોજ હવામાન વિભાગની આગાહી વચ્ચે વહેલી સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે ધીમીધારે મેઘરાજાનું આગમન થયું હતું. અને સવારે દસ વાગ્યેના બે કલાકમાં મેઘાની તીવ્રતા વધતા 36-મીમી જેટલો વરસાદ વરસ્યો હતો. ત્યારબાદ પણ ધીમીધારે વરસાદ ચાલુ રહેતા દિવસભર વરસાદી માહોલ છવાયેલો રહ્યો હતો. ચોમાસાની સીઝનમાં પ્રથમ વખત સારા વરસાદથી ચોમાસાની ઋતુનો વિધિવત પ્રારંભ થયો હોય તેમ લાગી રહ્યું છે. જોકે લાંબા સમયથી કાગડોળે નોંધપાત્ર વરસાદથી રાહ જોઈ રહેલા ધરતીપુત્રોમાં પણ આનંદની લાગણી છવાઈ હતી. સારા વરસાદથી ડાંગરના ધરૂની વાવણી કે પછી વલોળ, તુવેર વિગેરેના બીજ રોપવાની કામગીરી ખેડૂતો દ્વારા આરંભી દેવાઈ હતી. જોકે સિંચાઈની અલાયદી વ્યવસ્થા ધરાવતા ખેડૂતોએ તો ડાંગરના ધરૂની અગાઉથી વાવણી કરી દીધી હોય તેવા સંજોગોમાં નજીકના દિવસોમાં રોપણી પણ શરૂ થઈ જશે.
ચીખલી તાલુકામાં સારા વરસાદ સાથે નેશનલ હાઈવેના સર્વિસ રોડ પર ઠેર ઠેર પાણી ભરાયા હતા. ચોમાસા પૂર્વે હાઈવે ઓર્થોરિટી દ્વારા વરસાદી પાણીનાનિકાલ માટેની ગટરની સાફ સફાઈની નક્કર કામગીરી ન કરાતા પ્રથમ વરસાદમાં જ આવી સ્થિતિ સર્જાઈ હતી. આ ઉપરાંત ચીખલીમાંથી પસાર થતા અન્ય મુખ્યમાર્ગો પર પણ પાણી ભરાયા હતા. થાલા બગલાદેવની આગળ દર ચોમાસાની જેમ આજે પણ વિશાળ માત્રામાં પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી વેઠવી પડી હતી. આ સ્થળે દરેક ચોમાસામાં પાણી ભરાતા હોય રોડ માર્જિનમાં આવતું બાંધકામ દૂર કરીને પણ પાણીના નિકાલની પૂરતી વ્યવસ્થા માર્ગ મકાન વિભાગ દ્વારા કરવી જોઈએ.
દિવસભર વરસાદી માહોલ વચ્ચે ઉકળાટ ભર્યા વાતાવરણમાં લોકોને રાહત થઈ હતી. સાંજે ચાર વાગ્યે પુરા થતા ચોવીસ કલાકમાં 66-મીમી જેટલો વરસાદ સાથે સિઝનનો કુલ વરસાદ 3.64 ઇંચ નોંધાયો હતો.