દારૂ પીતા પીતા ટ્રક હંકારી પાછળથી બસને અડફટે લઈ ડ્રાઇવર થયો ફરાર: ટ્રક અને ડીવાઈડર વચ્ચે બસ ફસાતા ઈમરજન્સી વિન્ડો વડે પેસેન્જરોને કઢાયા બહાર
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.29: વાપી એસ.ટી ડેપોથી પેસેન્જર લઈ ડેઇલી રાતે વાપી-ધૂલે બસ નંબર એમએચ 20 બીએલ 3462 પારડી વલસાડ નવસારી બારડોલી નવાપુર થઈ ધુલે સુધી જતી હોય છે નિત્યક્રમ મુજબ ગઈકાલે રાત્રે આ બસ 60 જેટલા પેસેન્જર લઈ વાપીથી ધૂલે જવા નીકળી હતી. આ દરમિયાન પારડી સોના દર્શન એપાર્ટમેન્ટ પાસેના હાઈવે પરથી આ બસ પસાર થઈ રહી હતી તે દરમ્યાન મુંબઈથી સુરત તરફ જઈ રહેલી ટ્રક નંબર એમએચ 12 એલટી 9325 નો ડ્રાઇવર બિન્દાસ પોતાની ટ્રકના સ્ટેરીંગ પાસે દારૂની બોટલ મૂકી દારૂ પીતા પીતા પોતાની ટ્રક હંકારી હતો. જેને લઈ સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા આ ટ્રક ડ્રાઈવરે પોતાની ટ્રકને પાછળથી બસને અડફટે લઈ હાઇવેના ડિવાઇડર અને પોતાની ટ્રક આ બંને વચ્ચે બસને ફસાવી ટ્રકનીચાવી લઈ ત્યાંથી ભાગી છૂટયો હતો. જેને લઈ ડિવાઇડર અને ટ્રક વચ્ચે બસ ફસાઈ જતા બસમાં સવાર 60 જેટલા મુસાફરોના જીવ તાળવે ચોંટયા હતા. આ તમામ મુસાફરોને બસની ઈમરજન્સી વિન્ડો વડે રોંગ સાઈડથી બહાર કાઢવામાં આવ્યા હતા.
ઘટના સ્થળે પહોંચેલી પારડી પોલીસે ક્રેન મંગાવી ટ્રક અને ડીવાઈડર વચ્ચે ફસાયેલી બસને દૂર કરવાના પ્રયત્નો કર્યા હતા. પરંતુ ટ્રક વજનદાર હોય એક ક્રેન વડે આ ટ્રકને હાઇવેથી હટાવવી મુશ્કેલ હોય આખરે વાપી ડેપોથી અન્ય બસ મંગાવી ઘણા સમયથી અટવાઈ રહેલા તમામ પેસેન્જરોને ધુલે સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.