Vartman Pravah
ગુજરાત

રાષ્ટ્રીય સફાઇ કામદાર આયોગના સદસ્ય અંજના પવારે અમદાવાદની મુલાકાત લીધી: સફાઇ કામદાર આયોગ અને વિવિધ યુનિયન સંગઠનો સાથે સમીક્ષા બેઠક યોજી

(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
અમદાવાદ, તા.૦૮ઃરાષ્ટ્રીય સફાઇ કર્મચારી આયોગના સભ્ય શ્રીમતી અંજના પવાર આજે અમદાવાદ સર્કિટ હાઉસ ખાતે વિવિધ સફાઈ કામદારના આગેવાનો/સફાઈ કામદારોના કલ્યાણ ક્ષેત્રે કામ કરતી સંસ્થાઓ/યુનિયનોના પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન શ્રીમતી પવારે સફાઈ કર્મચારી આયોગ અને વિવિધ યુનિયનના અધિકારીઓ, સભ્યો અને સફાઇ કામદારો વિશેની વિગતવાર માહિતી મેળવી હતી.

સદસ્યશ્રીએ સફાઈ કર્મચારીઓના પ્રશ્નોને વિગતવાર સાંભળી અને તમામ પ્રશ્નો અંગે અધિકારીશ્રીઓ સાથે વિશદ ચર્ચા વિચારણા કરી હતી અને તેમાં આવતી સમસ્યા અંગે માર્ગદર્શન પૂરું પાડી આ પ્રશ્નોનું નિરાકરણ લાવવા તાકીદ કરી હતી.

સફાઈ કામગીરી સાથે સંકળાયેલા ૧૪ જેટલા વિવિધ યુનિયનો દ્વારા લોકોને પડતી મુશ્કેલીઓ અને વિવિધ પ્રશ્નોને શ્રીમતી અંજનાબેન પવારે સાંભળી અને વહેલામાં વહેલી તકે આ પ્રશ્નોનું નિરાકરણ લાવવા જણાવ્યું હતું તેમજ તેનું ફોલોઅપ લેવા ઉપસ્થિત જિલ્લા વિકાસ અધિકારીશ્રી અને સંલગ્ન અધિકારીશ્રીઓને જણાવ્યું હતું. સફાઈ કામદારોના ગણવેશ તથા સફાઈ સંદર્ભના જરૂરી સાધનો પુરા પાડવા, લઘુત્તમ વેતન પૂરું પાડવા, નિયમિત પગાર મળવા, સફાઇ કર્મચારીઓની કાયમી ભરતી કરવા તેમજ પૂર્વ નોટિસ વગર કોઈ કર્મચારીને નોકરી પરથી દરખાસ્ત ન કરવા જેવી વિવિધ બાબતો વિષે ચર્ચા કરવામાં આવી હતી.
બેઠકની શરૂઆતમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી અનિલભાઈ ધામેલિયાએ રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગના સભ્ય શ્રીમતી અંજનાબેન પવારને આ બેઠકમાં આવકાર્યા હતા તેમજ જિલ્લા અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગના વડા શ્રી મનિષભાઇ સોલંકી દ્વારા અમદાવાદ જિલ્લામાં સફાઈ કામદારોને અપાયેલી રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓની આંકડાકીય વિગતો રજૂ કરવામાં આવી હતી. આ યોજનાઓ અંતર્ગત કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ આ સહાયલક્ષી યોજનાઓના લાભથી વંચિત ન રહી જાય તે માટે માનનીય સદસ્યાશ્રી દ્વારા જિલ્લામાં અલગ અલગ જગ્યાઓ પર લોકોને યોજના માટેની માહિતી તેમજ માર્ગદર્શન માટે જાગૃતિ કેમ્પનું આયોજન કરવા સૂચન પાઠવ્યું હતું.

Related posts

વલસાડ જિલ્લામાં તા.28 અને તા.29 માર્ચે ઈ-શ્રમ કાર્ડના રજિસ્‍ટ્રેશન માટે મેગા ડ્રાઈવ યોજાશે

vartmanpravah

ચીખલી તાલુકામાં અને ઉપરવાસમાં મૂશળધાર વરસાદને પગલે કાવેરી, અંબિકા, ખરેરા સહિતની લોકમાતાઓમાં ઘોડાપૂર

vartmanpravah

વલસાડ શહેર પોલીસ, વલસાડ ફિઝિશીયન ઍસોસિઍશન અને વલસાડ ઍમ.આર. ઍસોસિઍશન દ્વારા મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો

vartmanpravah

પારડીના પલસાણામાં વહેલી સવારે સોનાના ઘરેણા અને રોકડની લૂંટ

vartmanpravah

વાપી-દમણ-સરીગામમાં રાહદારીઓના મોબાઈલ ખેંચી તરખાટ મચાવતી ગેંગના 2 સ્‍નેચરો ઝડપાયા

vartmanpravah

નવસારી જિલ્લામાં કોરોના પોઝીટીવના 285 કેસ નોધાયાં : 1470 ઍકટિવ કેસ

vartmanpravah

Leave a Comment