(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.26: દાદરા નગર હવેલીના મસાટ ખાતે આવેલી કંપનીમાં ઓપરેટર તરીકે ફરજ બજાવતા વ્યક્તિની ગત તા.24મી મેના રોજ સાંજે અચાનક તબિયત બગડતાં તેમને સારવાર માટે સેલવાસની શ્રી વિનોબા ભાવે સિવિલ હાસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન આજે મોત થતાં તેમના પરિવાર તેમજ સગાં-સંબંધીઓ અને મિત્રવર્તુળમાં શોકની લાગણી ફેલાવા પામી હતી.
પ્રાપ્ત માહિતી પ્રમાણે અનિલ યાદવ (ઉ.વ.40)રહેવાસી મસાટ, મૂળ- રહેવાસી બિહાર. જેઓ મસાટ ખાતે આવેલી સન પ્લાસ્ટિક કંપનીમાં ઓપરેટર તરીકે છેલ્લા દસ વર્ષથી નોકરી કરતા હતા. ગત શુક્રવારે સાંજે કંપનીની અંદર જ કામ કરતી વખતે તબિયત બગડી હતી અને ગભરાટ સાથે ચક્કર આવી રહ્યા હતા. એમની સાથે કામ કરતા કર્મચારીઓએ તાત્કાલિક કંપનીના સ્ટાફને જાણ કર્યા બાદ ખાનગી વાહન દ્વારા સેલવાસની શ્રી વિનોબા ભાવે સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં આજે રવિવારના રોજ મળસ્કે પાંચ વાગ્યે અનિલ યાદવનું સારવાર દરમ્યાન મોત થયું હતું. મૃતક અનિલ યાદવને ચાર દીકરી અને એક દીકરો છે. આગામી 6ઠ્ઠી જૂનના રોજ એમની દીકરીના લગ્ન હતા, દીકરીના લગ્ન પહેલાં જ પિતાનું આકસ્મિક નિધન થતાં પરિવારમાં ઘેરા શોકની લાગણી પ્રસરી જવા પામી છે.
આ ઘટનાની જાણ થતાં સેલવાસ પોલીસની ટીમે લાશનો કબ્જો લઈ પોસ્ટમોર્ટમ(પી.એમ.) માટે લઈ જવામાં આવી હતી. મૃતક અનિલ યાદવના સગાં-સંબંધીઓ અને કંપનીના સ્ટાફની પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી.
મૃતક અનિલ યાદવના સગાંઓને અનિલના અંતિમ સંસ્કાર સેલવાસમા ંજ કરવાના હોય તો દસથી વીસ હજાર રૂપિયા આપવા અને તેમના વતન બિહાર ખાતે તેમના પાર્થિવ શરીરને લઈ જવાના હોવ તો પચાસ હજાર રૂપિયા ખર્ચ આપવાની કંપનીસ્ટાફ દ્વારા અનિલના સગાઓએ જણાવાયું હતું. પરંતુ સગાં-સંબંધીઓએ માંગી કરી હતી કે, અનિલ યાદવના પાર્થિવ શરીરને અમે ત્યાં સુધી નહિ લઈશું જ્યાં સુધી તમે અમને 10થી 15 લાખ રૂપિયા નહિ આપશો. જેથી કંપનીના એચ.આર. મેનેજર અને સગાંઓ વચ્ચે બોલાચાલી પણ થઈ હોવાની માહિતી મળી છે. મૃકતના સંગા-સંબંધીઓ અને કંપની સંચાલકો વચ્ચે થયેલી તકરારના કારણે પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું નથી. આ ઘટના અંગેની ફરિયાદ નોંધી વધુ તપાસ સેલવાસ પોલીસ કરી રહી છે.