October 20, 2024
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહ અને દમણ-દીવના ભાગ્‍ય વિધાતા કોણ? : દાનહ અને દમણ-દીવમાં સાંસદો એટલે જ સરકાર જેવી સ્‍થિતિ હતી

1987થી માર્ચ-2011 સુધી દમણ-દીવ અને દાનહમાં સાંસદ તથા સત્તાધારી રાજકીય પક્ષના પ્રદેશ પ્રમુખ બોલે તે કાયદો બનતોઃ તત્‍કાલિન સાંસદ મોહનભાઈ ડેલકરની કૃપાથી અનેક પી.એસ.આઈ. અને ઈન્‍સ્‍પેક્‍ટરોની પણ પ્રશાસન દ્વારા કરાયેલી નિયુક્‍તિ

દમણ-દીવ અને દાદરા નગર હવેલીમાં કલેક્‍ટર તરીકે કોને ગોઠવવો અને કોને તડીપાર કરવો તેની ગોઠવણ સાંસદો દ્વારા કરાતી હતી

ભારતની સંસદ (લોકસભા)માં પોતાના મત વિસ્‍તારના લોકોના વિચારો અને આકાંક્ષાઓનું પ્રતિનિધિત્‍વ કરવાની જવાબદારી સાંસદની હોય છે. સરકાર દ્વારા પ્રસ્‍તાવિત આવક(રેવન્‍યુ) અને ખર્ચને મંજૂરી આપવી અને તેની દેખરેખ કરવાની પણ જવાબદારી સાંસદની શક્‍તિમાં સામેલ છે.
સાંસદ પાસે કોઈપણ સરકારી કે અર્ધ સરકારી કર્મચારીને નોકરી લગાવવાનો, તેની બદલી કરવાની કે તેને પ્રમોશન આપવાની કોઈ સત્તા નથી. સાંસદ કરતા વધુ વહીવટી સત્તા ગ્રામ પંચાયતના સરપંચો, જિલ્લા અને નગરપાલિકાના અધ્‍યક્ષો પાસે છે. જેઓ પોતાના કાર્યાલય માટે કર્મચારીની હંગામી રીતે નિયુક્‍તિ કરી શકે છે, વિકાસના કામોનું બજેટ મંજૂર કરીશકે છે. ખર્ચની ચૂકવણી પણ કરી શકે છે. તેથી કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં ચૂંટણી દરમિયાન ઉમેદવારો દ્વારા અપાતા વચનો મોટાભાગે ઠાલા સાબિત થતા હોય છે અને જે વચનો પૂર્ણ થાય તેમાં પ્રદેશ અને જિલ્લા પ્રશાસનની ઉદારતાથી જ થતા હોય છે. તેમ છતાં દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં તત્‍કાલિન સાંસદો સ્‍વ. મોહનભાઈ ડેલકર, શ્રી ગોપાલ દાદા તથા સ્‍વ. ડાહ્યાભાઈ પટેલે પોતાનું એક આગવું સામ્રાજ્‍ય ઉભું કર્યું હતું, તે કેવી રીતે સંભવ બન્‍યું?
દાદરા નગર હવેલીમાં 1989થી 2009 સુધી સાંસદ રહેલા શ્રી મોહનભાઈ ડેલકરે પોતાના અંગત મળતિયાઓને પી.એસ.આઈ. અને ઈન્‍સ્‍પેક્‍ટર સુધીની નોકરી પોતાની ભલામણથી અપાવી હતી. તેઓ જે બોલતા તે કાયદો બનતો હતો. તે વખતે સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં જિલ્લા કલેક્‍ટરથી લઈ સચિવ સ્‍તરના આઈ.એ.એસ., આઈ.પી.એસ. અને આઈ.એફ.એસ. અધિકારીઓનું પોસ્‍ટિંગ પણ શ્રી મોહનભાઈ ડેલકરની સૂચના અને દિશા-નિર્દેશ હેઠળ થતું હતું. તેવી જ રીતે દમણ અને દીવમાં પણ સાંસદ તરીકે શ્રી ગોપાલ દાદાએ પોતાના અનેક ટેકેદારોને દારૂના લાયસન્‍સો તથા કેટલાક કાર્યકરોને સરકારી નોકરી પણ અપાવી હતી. દમણ-દીવના સાંસદ સ્‍વ. ડાહ્યાભાઈ પટેલે પણ પોતાનો દબદબો જાળવી રાખી આઈ.એ.એસ.,આઈ.પી.એસ., આઈ.એફ.એસ. અધિકારીઓની દમણથી દીવ અને દમણથી સેલવાસ બદલી કરાવવા સફળ રહ્યા હતા.
દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં રાષ્‍ટ્રપતિનું શાસન હોવા છતાં ભૂતકાળમાં સાંસદો પોતાની ઈચ્‍છા પ્રમાણે સંઘપ્રદેશ પ્રશાસન અને ભારત સરકારને દોરવવા કેવી રીતે સફળ રહ્યા?
1989માં જ્‍યારે શ્રી મોહનભાઈ ડેલકર પ્રથમ વખત સાંસદ બન્‍યા ત્‍યારે કેન્‍દ્રમાં અસ્‍થિર સરકાર હતી. 1991ની ચૂંટણીમાં શ્રી મોહનભાઈ ડેલકર કોંગ્રેસની ટિકિટ ઉપર ચૂંટણી લડી વિજેતા બન્‍યા હતા. 1989થી 1991 સુધીનો કાર્યકાળ સાંસદ તરીકે શ્રી મોહનભાઈ ડેલકર માટે આર્થિક સંકડામણનો પણ રહ્યો હતો. પરંતુ 1991માં કોંગ્રેસની શ્રી નરસિમ્‍હા રાવની સરકારમાં નાણાંમંત્રી રહેલા ડો. મનમોહન સિંઘે દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં ટેક્‍સ હોલીડે જાહેર કરતાં દેશના ઉદ્યોગપતિઓની દોડ સેલવાસ અને દમણ ખાતે શરૂ થઈ હતી. જેમાં જમીનો એન.એ. કરવી, ભૂમીહિન આદિવાસીઓને ફાળવેલા સરકારી પ્‍લોટોનું વેચાણ, સેલ પરમિશન, ઈલેક્‍ટ્રીસીટીના પાવરની ફાળવણી જેવા અનેક કામો કાયદેસર રીતે થવા મુશ્‍કેલ હતા. તે સમયે તત્‍કાલિન પ્રશાસકો, કલેક્‍ટરો, સાંસદ અને ઉદ્યોગપતિઓ તથા પ્રદેશના તે સમયે નવા ઉભરેલા લેન્‍ડમાફિયાઓની કડી બની હતી. જેના પરિણામે તે વખતે સાંસદ તરીકે શ્રીમોહનભાઈ ડેલકરે પ્રશાસન ઉપર પોતાનો અંકુશ મેળવી લીધો હતો.
આ પ્રકારની રીતરસમ અજમાવવા દમણ અને દીવના તત્‍કાલિન સાંસદ શ્રી દેવજીભાઈ ટંડેલ નિષ્‍ફળ રહ્યા હતા જેના કારણે તેમને 1996ની ચૂંટણીમાં પરાજયનો સામનો કરવા પડયો હતો. 1996માં કોંગ્રેસના ઉમેદવાર તરીકે વિજેતા બનેલા શ્રી ગોપાલભાઈ કે. ટંડેલ (દાદા) અને દાનહના સાંસદ શ્રી મોહનભાઈ ડેલકરની જોડીએ તત્‍કાલિન પ્રશાસક શ્રી એસ.પી.અગ્રવાલ સાથે સમાંતર સરકારનું સુકાન સંભાળ્‍યું હતું. દાદરા નગર હવેલીના તત્‍કાલિન કલેક્‍ટર શ્રી એસ.પી.મારવાહની પણ નિર્ણાયક ભૂમિકા રહી હતી.
દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં આ સિલસિલો યથાવત 2011ના માર્ચ મહિના સુધી ચાલુ રહ્યો હતો.
દાદરા નગર હવેલી અને દમણ-દીવના તે વખતના પ્રશાસકો જો સાંસદની મરજી પ્રમાણે નહીં ચાલે તો તેની ફરિયાદ કેન્‍દ્રિય ગૃહ મંત્રાલયના સંયુક્‍ત ગૃહ સચિવને કરવામાં આવતી હતી. સંયુક્‍ત ગૃહ સચિવ પણ તત્‍કાલિન સાંસદોની વાતને ગંભીરતાથી નહીં લે તો તેઓ સીધા કેન્‍દ્ર શાસિત પ્રદેશનો હવાલો સંભાળતા ગૃહરાજ્‍ય મંત્રીને પોતાના વશમાં કરી લેતા હતા. જેના કારણે આ બંને ટચૂકડાં કેન્‍દ્ર શાસિત પ્રદેશમાં સાંસદો અને સત્તાધારી પક્ષના પ્રમુખની બોલબાલાનો દૌર શરૂ થયો હતો. જેમાં સંઘપ્રદેશના પ્રશાસક તરીકે શ્રીનરેન્‍દ્ર કુમારના આગમન બાદ થોડો અંકુશ આવ્‍યો હતો. (ક્રમશઃ)

Related posts

આજે દાનહ બેઠક ભાજપના ઉમેદવાર કલાબેન ડેલકર હજારો કાર્યકર્તા અને ટેકેદારો સાથે પોતાનું ઉમેદવારી પત્રક ભરશે

vartmanpravah

સેલવાસની એસ.એસ.આર.કોલેજના પ્રા.મોહમ્‍મદ બિલાલ અબુબકર ભડાને એનાયત થયેલી પી.એચ.ડી.ની ડીગ્રી

vartmanpravah

સંઘપ્રદેશ દાનહ અને દમણ સહિત વલસાડ જિલ્લામાં હવામાનમાં પલટોઃ ઝરમર વરસેલો કમોસમી વરસાદ

vartmanpravah

ચીખલીના સોલધરા ગામે દીપડાએ એક બકરી અને બકરાને ફાડી ખાતા સ્‍થાનિકોમાં ભયનો માહોલ

vartmanpravah

કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ દેશના રાષ્‍ટ્રપતિ દ્રૌપદી મુર્મુ વિશે કરેલી અભદ્ર ટિપ્‍પણીનો દમણ ભાજપ અને અન્‍ય મહિલા સંગઠનો દ્વારા ભારે વિરોધ કરાયો

vartmanpravah

વાપી બાર એસોસિએશનનો ચૂંટણી કાર્યક્રમ જાહેર: આગામી તા.17મી ડિસેમ્‍બરના રોજ મતદાન યોજાશે

vartmanpravah

Leave a Comment