કાર્યવાહીમાં સેંકડોવાહન ચેકિંગમાં કસુરવાર 5 ઓટો અને 4 ઈકો ડિટેઈન

(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.29: વાપી વિસ્તારમાં ઓટો રીક્ષા અને ઈકો ચાલકો બેફામ નિયમોનું ઉલ્લંઘન કરી વધુ મુસાફરો ભરી વાહનો હંકારતા હોવાની વ્યાપક ફરિયાદો બાદ વાપી જિલ્લા પોલીસ ટ્રાફિક બ્રાન્ચે વાહન ચેકિંગ ડ્રાઈવ ચલાવી હતી. જેમાં કસુરવાર વાહનો વિરૂધ્ધ કાનુની કાર્યવાહી કરવામાં આવી હતી.
વાપીમાં ઓટો રિક્ષા તેમજ લોકલ ઈકો ગાડીઓ મુસાફરોની હેરાફેરીની કામગીરી કરી રહી છે. જેમાં હદથી પણ વધારે વાહનની ક્ષમતા કરતા દોઢા કે બમણા મુસાફરો ઠાંસી ઠાંસીને ભરી રીક્ષા કે ઈકો બેફામ દોડી રહી છે તેથી ટ્રાફિક પોલીસે મંગળવારે વાહન ચેકિંગ ડ્રાઈવ ચલાવી હતી. ટ્રાપિક પી.આઈ. કે.ડી. પંતની રાહબરીમાં ચલાવાયેલ ચેકિંગ કામગીરીમાં કસુરવાર 5 ઓટો રીક્ષા અને 4 ઈકો કાર સામે કાનૂની કાર્યવાહી કરી પોલીસે વાહન ડિટેઈન કર્યા હતા. પોલીસે માત્ર વાહન ચેકિંગ નહી પણ ટુવ્હિલર ચાલકો અને હેલ્મેટ પહેરવા તથા કાર ચાલકોને સલામત ડ્રાઈવિંગ કરવાની સલાહ અને સમજણ આપી હતી. રોડ અકસ્માતોમાં સેંકડો નિર્દોષોની જીંદગી હોમાઈ રહી છે ત્યારે ટ્રાફિક અને ડ્રાઈવિંગ અંગેની શિસ્ત જરૂરી છે તે માટે પોલીસ સક્રિયતા દાખવી રહી છે.

