(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
પારડી, તા.19: ગુજરાત સ્ટેટ ટ્રાયબલ એજ્યુકેશન સોસાયટી ગાંધીનગર અને અતુલ વિદ્યાલય ટ્રસ્ટ સંચાલિત એકલવ્ય મોડેલ રેસિડેન્સિયલ સ્કૂલ પારડી ખાતે તા.19/06/2024 બુધવારના રોજ શાળા ખાતે સિકલ સેલ એનિમિયા જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેની થીમ “Hope Through Progress: Advancing care globally” આધારિત છે. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ બાળકો, વાલીશ્રીઓ તેમજ સમાજમાં સિકલ સેલ વિષે જાગૃત થાય અને સભાનતા કેળવે તે છે. સદર કાર્યક્રમમાં પારડી પી.એચ.સી (ભ્ણ્ઘ્) મેડીકલ ટીમ દ્વારા શાળાના શૈક્ષણિક વર્ષ 2024-25 માં ધોરણ 6 અને 11 માં નવા પ્રવેશ મેળવેલ 90 જેટલા વિદ્યાર્થીઓનું સિકલ સેલ સ્કીનીંગ ટેસ્ટ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ભાવેશભાઈ કે. રાયચા, આસિસ્ટન્ટ ડાયરેક્ટર વલસાડ રક્તદાન કેન્દ્ર તેમજ સિકલ સેલ કાઉન્સેલર જયેશભાઈ ડી. ટંડેલપ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સુખલાવ દ્વારા બાળકો અને વાલીશ્રીઓને વિડીઓ બતાવી સિકલ સેલ વિષે કેવી રીતે જાગૃતતા લાવી શકાય અને કયા પ્રકારની કાળજી લેવી જોઈએ તેનાથી માહિતગાર કરવામાં આવ્યા હતા.
સદર કાર્યક્રમ દ્વારા જાગૃતિ લાવવા માટે શાળા દ્વારા વિવિધ પ્રવૃત્તિ કરવામાં આવી હતી. જેમ કે સિકલ સેલ જાગૃતિ અંગે પોસ્ટર તૈયાર કરવા, વાલીઓને માહિતગાર કરવા, રેલીનું આયોજન, નિબંધ સ્પર્ધા,વક્તૃત્વ સ્પર્ધા, તેમજ ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. સદર વિવિધ કાર્યક્રમ થકી બાળકો, વાલીશ્રીઓ તેમજ સમાજમાં સિકલ સેલ વિષે જાગૃતિ લાવવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા.