(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.03: સરકારના ફરજિયાત ટેક્ષી પાસિંગ વાહનના આદેશ વચ્ચે ચીખલી તાલુકામાં માંડ બે સરકારી પ્રાથમિક શાળાઓમાં જ ટ્રાન્સપોર્ટશનની સુવિધા શરૂ થતા વિદ્યાર્થીઓ અને વાલીઓને હાલાકી વેઠવાની નોબત આવી છે. ટ્રાન્સપોર્ટશનની સુવિધા બંધ થતાં ડ્રોપ આઉટ રેશિયા પર પણ અસર થવાની શકયતા નકારી શકાય તેમ નથી. ગતવર્ષ તાલુકાની 177-જેટલી પ્રાથમિક શાળાઓ પૈકી 51-શાળાઓમાં 93-જેટલા વાહનો ફરતા હતા.અને 1853-વિદ્યાર્થીઓને લાભ મળતો હતો.
પ્રાપ્ત માહિતી મુજબ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક શાળાઓમાં ધોરણ 1 થી 5 માં 1.5 કિમી થી વધુ અને 6 થી 8માં 3.00 કિમી થી વધુ શાળાનું અંતર હોય તેવાં સરકાર દ્વારા ટ્રાન્સપોર્ટશનની સુવિધા આપવામાં આવે છે. અને આ માટે વિદ્યાર્થી દીઠ વાહનવાળાને રૂા. 450/- ચૂકવાતા હતા.
ઉપરોક્ત સ્થિતિમાં રાજકોટના અગ્નિકાંડ બાદ સડકાર દ્વારા સ્કૂલ વાહનોને ફરજિયાત ટેક્ષી પાસિંગ કરવામાં આવતા ગ્રામ્ય વિસ્તારમાં પ્રાઇવેટપસિંગના જ વાહનો હોય તેવામાં ટ્રાન્સપોર્ટશન સુવિધાનું જ સૂરસૂરિયું થઈ જવા પામ્યું છે.
ગતવર્ષે 51 ની સામે હાલે માત્ર રૂમલા અને અંબાચ બે જ ગામમાં આ ટ્રાન્સપોર્ટશનની સુવિધા શરૂ થઈ છે. અને આ બે શાળામાં માત્ર 48 વિદ્યાર્થીઓને લાભ મળી રહ્યો છે.
ટ્રાન્સપોર્ટેશનની સુવિધા આ વર્ષે શરૂ ન થતા ખાસ કરીને શ્રમજીવી પરિવારોને વધારે હાલાકી વેઠવાની નોબત આવી છે. પોતાનો રોજ બગાડીને બાળકને શાળામાં લેવા-મુકવા જવું પડે અને તેમાં આર્થિક બોજ પડવા સાથે અનેક મુશ્કેલીઓ વેઠવાની નોબત આવી છે. જેમાં ડ્રિપ આઉટ રેશિયો વધવાની શકયતા વચ્ચે શ્રમજીવી પરિવારના બાળકો શિક્ષણ થી વંચિત રહી જાય તેવો ઘાટ સર્જાયો છે. સરકારના ફરજિયાત ટેક્ષી પાસિંગના ફરમાન વચ્ચે સમગ્ર જિલ્લામાં પણ માત્ર 12 જેટલા જ વાહનો અને 282-જેટલા વિદ્યાર્થીઓને જ લાભ મળી રહ્યો છે.
બાળકોની સલામતી સાથે સરકાર દ્વારા બાળકો શિક્ષણથી વંચિત ન રહે તે દિશામાં પણ આયોજન કરવામાં આવે તે જરૂરી છે.
ચીખલી તાલુકામાં ટ્રાન્સપોર્ટેશનની સુવિધાના અભાવે પ્રાથમિક શાળાઓમાં સંખ્યા ઘટે તેવામાં શિક્ષકની વધ પણ થઈ શકે તેવી સ્થિતિમાં ઘણી જગ્યાએ એસએમસીના સહયોગથી ખાનગી રહે બાળકો માટે વાહનની વ્યવસ્થા કરી હોવાનું જાણવામળ્યું હતું. તો કેટલાક ગામોમાં પોતાનું બાળક શિક્ષણથી વંચિત ન રહી જાય તે માટે વાલીઓ પણ ગાંઠના પૈસા ખર્ચી રહ્યા છે. ત્યારે વાલીઓએ પણ આર્થિક બોજ વેઠવાની નોબત આવી છે.
નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી નવીનભાઈના જણાવ્યાનુસાર જિલ્લામાં મહત્તમ શાળાઓમાં ટ્રાન્સપોર્ટેશન સુવિધા શરૂ થઈ નથી તે બાબતે ઉપલી કચેરીએ જાણ કરી છે.