(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.07 : આજે અષાઢી બીજના દિવસે સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણમાં નીકળેલ ભગવાન જગન્નાથજીની નગરચર્યાના રથને પ્રસ્થાન કરાવવા મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડયા હતા.દાનહમાં સેલવાસ અને અન્ય કેટલાક સ્થળોએ ભગવાનના રથમાં સૌ પહેલા પહિંદ વિધિ અને આરતી કરી રથને પ્રસ્થાન કરાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં ઉપસ્થિત ભક્તોએ ‘હાથી-ઘોડા પાલખી, જય કનૈયા લાલકી’નો નાદ ગજાવ્યો હતો.
ભગવાન જગન્નાથ, બલરામ અને સુભદ્રા સાથે સંકળાયેલો હિન્દૂ તહેવાર એટલે રથયાત્રા, આમ તો દરરોજ ભક્તોએ ભગવાનના દર્શન કરવા મંદિરમાં ભગવાન પાસે જવું પડે છે, પરંતુ અષાઢી બીજના રથયાત્રાના દિવસે ભગવાન સ્વયં સામે ચાલીને પોતાના ભક્ત પાસે જાય છે, અને ભક્ત ભગવાનનો રથ ખેંચીને પોતાને ધન્યભાગી સમજે છે, જે પરંપરા અનુસાર દાદરા નગર હવેલીમાં બે સ્થળોએથી ભગવાન જગન્નાથની રથ યાત્રા કાઢવામાં આવી હતી. જેમાં એક રથયાત્રાનું આયોજન જલારામ મંદિર બાવીસા ફળિયા જગન્નાથ સેવા સમિતિ દ્વારા કરવામાં આવ્યું હતું જેનું પ્રસ્થાન નગરપાલિકા પ્રમુખ રજનીબેન શેટ્ટીના હસ્તે આરતી કરીને કરવામાં આવ્યું હતું જ્યારે બીજી રથયાત્રા બાલદેવી જગન્નાથ કલચરલ સમિતિ દ્વારા કાઢવામાં આવી હતી.
બાલદેવી જગન્નાથ કલચરલ સમિતિ દ્વારા આયોજિત રથયાત્રા યાત્રા બાવીસા ફળિયાથી નીકળી કિલવણી નાકા, ઝંડા ચોક, આમલી ગાયત્રી મંદિર થઈ શહેરના વિવિધ વિસ્તારોમાંથી પસાર થઇ હતી. આ રથયાત્રા દરમિયાન બાવીસા ફળીયા ખાતેમુસ્લિમ સમાજ દ્વારા રથયાત્રાનું સ્વાગત કરતા કોમીએકતાનું વાતાવરણસર્જાયું હતું. આ ઉપરાંત મુસ્લિમ સમાજ દ્વારા પાણી અને કેળાની વહેચણી પણ કરવામાં આવી હતી.
સંઘપ્રદેશ દમણમાં ભગવાન જગન્નાથજી તેમના ભાઈ-બહેન સાથે નગરયાત્રાએ નીકળ્યા હતાં. જેના દર્શન કરવા દમણના મુખ્ય રથયાત્રા રૂટ પર ભક્તોની ભીડ જોવા મળી હતી. જેમણે નગરચર્યાએ નિકળેલા ભગવાન જગન્નાથ પરિવારનો રથ ખેંચીને પુણ્યનો લહાવો પ્રાપ્ત કર્યો હતો.
દમણના તીન બત્તી સ્થિત જલારામ મંદિરેથી નીકળેલી આ રથયાત્રા સત્યનારાયણ મંદિર, વિદ્યુત વિભાગ, દમણ ચાર રસ્તા, ટેક્સી સ્ટેન્ડ, બસ સ્ટેન્ડ, ધોબી તળાવ સહિતના વિવિધ વિસ્તારોમાં વિચરીને જલારામ મંદિરે પરત ફરી હતી, દમણમાં અષાઢી બીજના ભગવાન જગન્નાથજી ભક્તોને મળવા નીકળ્યા હોય સાંસદ શ્રી ઉમેશભાઈ પટેલ સહિતના રાજકીય આગેવાનોએ શણગારેલા રથને દોરડા વડે ખેંચી જય જગન્નાથનો નાદ ગજાવ્યો હતો.
ભગવાન જગન્નાથજી, ભાઈ બલભદ્ર, બહેન શુભદ્રાની ભવ્ય રથયાત્રાને પ્રસ્થાન કરાવવા મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતાં. પરંપરાગત વાજિંત્રોની ધૂન પર ભક્તોએ જય જગન્નાથના નાદથી વાતાવરણ ભક્તિમય બનાવ્યું હતું.
સંઘપ્રદેશમાં આયોજિત ભગવાન જગન્નાથજીના રથને સ્થાનિક આગેવાનો, ભક્તો અને પોલીસ જવાનોએ પ્રસ્થાન કરાવ્યું હતું.મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હોય, રથયાત્રાને લઈને કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ માટે પોલીસ વિભાગે યાત્રાના આખા રુટ પર ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો હતો.
આ રથયાત્રા જગન્નાથ પુરીમાં જે રીતે ઉત્સવરૂપે મનાવાય છે. જે પરંપરા છે તે મુજબ ભગવાન રથમાં સવાર થઈને માસી માંના મંદિરે જાય છે. જ્યાં તે 7 દિવસ રહેશે જે બાદ ફરી 7મા દિવસે બહુડા યાત્રા યોજવામાં આવશે અને ભગવાનને પરત મુખ્ય જગન્નાથજી મંદિરમાં લાવી સ્થાપિત કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, અષાઢી બીજના સેલવાસ, દમણ-દીવમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. દાદરા નગર હવેલી અને દમણમાં દેશના અલગ અલગ રાજ્યમાંથી આવેલા લોકો સ્થાયી થયા છે. જેઓ રથયાત્રાના આ આયોજન દરમ્યાન ઉત્સાહભેર જોડાયા હતા. ભક્તોએ ભગવાનના દર્શન કરી મગ સહિતનો પ્રસાદ ગ્રહણ કરી સમગ્ર દેશના લોકો નિરોગી રહે આરોગ્ય પ્રદ રહે, દેશનો વિકાસ થાય, લોકો ભાઈચારાથી રહે તેવી પ્રાર્થના કરી હતી.
Previous post