સહેલાણીઓએ ટેમ્પાનો પીછો કર્યો પણ તેજ ગતિએ ભાગી ગયો
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.08: વલસાડ તિથલ દરિયા કિનારો સહેલાણીઓ માટે આકર્ષણનું કેન્દ્ર રહ્યો છે. ગતરોજ રવિવાર હોવાથી સહેલાણીઓ ઠંડી હવા અને ખુશનુમા વાતાવરણની લુપ્ત ઉઠાવવા પ્રમાણમાં વધારે ઉમટયા હતા. તે દરમિયાન સમી સાંજે અંધારામાં એક ટેમ્પો ચાલકે કિનારે બેઠેલા સહેલાણીઓ ઉપર ટેમ્પો ફેરવવાની વારંવાર કોશિશ કરી હતી. સહેલાણીઓ ભયભીત બની ગયા હતા.
વલસાડ તિથલ દરિયાકિનારે રવિવારે સાંજે સહેલાણીઓ કિનારા ઉપર બેઠા હતા તે દરમિયાન સાંજે 8 વાગ્યાના સુમારે એક માથા ભરેલ ટેમ્પો ચાલકે બેઠેલા મુસાફરો ઉપર ટેમ્પો ફેરવી વાળવાની નિર્લજ્જ કોશિષ કરી હતી. સહેલાણીઓ ગભરાઈને દોડાદોડી કરી મુકી હતી. સ્માર્ટ સહેલાણીએ વિડીયો ઉતારી સોશિયલ મીડિયામાં ઘટનાને વાયરલ કરી હતી. કેટલાક સહેલાણીઓ ટેમ્પોને પકડવાની કોશિષ કરેલી, પાછળ દોડેલા પણ બેફામ રીતે ટેમ્પો ચલાવી ટેમ્પો ચાલક ભાગી છુટયો હતો. દરિયા કિનારે જાહેર સલામતિને ખલેલ પહોંચાડનાર ટેમ્પો ચાલકને પોલીસે પાઠ ભણાવવો રહ્યો તેવી સહેલાણીઓમાં માંગ ઉઠી હતી.