(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.08: ચીખલી તાલુકાના માણેકપોર ખાતે આવેલ એક કેમિકલની કંપનીના કંપાઉન્ડમાં આઈસર ટેમ્પમાંથી એલસીબી પોલીસે રાસાયણીક યુરિયા ખાતરનો 130 બેગના જથ્થા સાથે ત્રણને ઝડપી પાડી કંપનીના માલિક સહિત ત્રણ જેટલાને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસ મથકેથી પ્રાપ્ત વિગત મુજબ એલસીબી પોલીસના યુવરાજસિંહ, ગણેશ દિનુભાઈ પેટ્રોલિંગમાં હતા ત્યારે વાંસદા રોડ ઉપર માણેકપોર ગામે આવેલ શ્રીકેમિકલ્સ કંપનીના કેમ્પસમાં એક આઈસર ટેમ્પોમાં શંકાસ્પદ રાસાયણિક યુરિયા ખાતરનો જથ્થો હોવાની બાતમી મળતા તે અંગેની એલસીબી પીઆઈ વી.જે. જાડેજાને જાણ કરતા સોમવારના રોજ દસેક વાગ્યાના અરસામાં એસઓજી પીઆઈ એન.એમ.આહીર, ખેતીવાડી અધિકારી ચંદુભાઈ ગાંગોડા સહિતએ સયુંકત રીતે છાપો મારતા માણેકપોરની શ્રી કેમિકલ્સ કંપનીના કંપાઉન્ડમાં આઈસર ટેમ્પો નંબર જીજે-19-વાય-1981માં તપાસ કરતા તેમાંથી પીળા રંગની બેગની ઉપર પ્રધાનમંત્રી ભારતીય જન ઉવરક પરી યોજના ભારત યુરિયા નિમકોટેડ યુરિયા એગ્રીકલ્ચર પર્પઝ ઓનલી લખાણવાળી બેગો મળી આવી હતી.
પોલીસે યુરિયા ખાતરની 130 જેટલી બેગનો 5,850 કિલોગ્રામનો રૂા. 34,645/- નો જથ્થો અને ટેમ્પા સાથે કુલ્લે રૂા. 8,34,645/- નો મુદ્દામાલ કબ્જે કરી આ ખાતરમાંથી નમૂનો લઈ બારડોલી સ્થિત પ્રયોગશાળામાં ચકાસણી માટે મોકલી આ જથ્થા સાથે જીતેન્દ્ર ઉર્ફે જીતુ ગંગારામ બંસીવાલ (હાલ રહે.સ્વાતી સોસાયટી, કુરેશી હોસ્પિટલની પાછળ, પારડી જી.વલસાડ) (મૂળ રહે.પાનેર ગામ ઉદેપુર, રાજેસ્થાન), રીમ્પેશ રમેશભાઇ હળપતિ (રહે.અંભેટા ભવાની ફળીયા તા.ગણદેવી), ધનરાજ રાયુભાઈ ચૌધરી (રહે.બલ્લારી ફળીયું, બારતાડ તા.વાંસદા) એમ ત્રણ જેટલાને ઝડપી પાડી કંપનીનામલિક ભાવેશ સુમનભાઈ પટેલ (રહે.અંભેટા આમલિયા ફળીયા, તા.ગણદેવી) તેમજ મુદ્દામાલ પહોંચાડનાર રમેશભાઈ પ્રજાપતિ તથા આઈસર ટેમ્પાનો ચાલક એમ ત્રણ જેટલાને વોન્ટેડ જાહેર કર્યા હતા.
ઉપરોક્ત ખાતરનો જથ્થો બારડોલી વિસ્તારમાંથી આવેલા અને તેનો ઉપયોગ રેઝિન બનાવવાના કામે ઉપયોગમાં લેતા હોવાનું જાણવા મળ્યું હતું. ખેતીમાં જ ઉપયોગમાં લેવાના સબસીડી યુક્ત યુરિયા ખાતરનો જથ્થામાં પોલીસે ખેતીવાડી અધિકારી ચંદુભાઈ ગાંગોડાની ફરિયાદમાં બીએનએસ અને આવશ્યક ચીજવસ્તુ ધારાની જોગવાઈ મુજબ ઉપરોક્ત આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.