ડી.વાય.એસ.પી. બી.એન. દવેની અધ્યક્ષતામાં વાપી ટાઉન, જીઆઈડીસી, ડુંગરા પી.આઈ.એ આયોજકોને માર્ગદર્શન આપ્યું
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.02: આગામી ભાદરવા મહિનામાં ગણેશ મહા મહોત્સવનો પ્રારંભ થવા પૂર્વ વાપી વિભાગ પોલીસે રાજસ્થાન ભવનમાં ગણેશ આયોજકોની મિટિંગ યોજી હતી. મિટિંગમાં કાયદો વ્યવસ્થા, ગણેશ મંડળ નોંધણી તથા મૂર્તિ ઊંચાઈ અને વિસર્જન અંગે પોલીસે સવિસ્તાર માર્ગદર્શન ગણેશ આયોજકોને આપ્યું હતું.
રાજસ્થાન ભવનમાં યોજાયેલ ગણેશ મહોત્સવના સંદર્ભમાં યોજાયેલ મિટિંગમાં વાપી નાયબ પોલીસ વડા બી.એન. દવે, ટાઉન પી.આઈ કે.જી. રાઠોડ, જી.આઈ.ડી.સી. પી.આઈ. મયુર પટેલ તથા ડુંગરા પી.આઈ. કે.જી. રાઠોડની ઉપસ્થિતિમાં પોલીસે ગણેશ મહોત્સવ અંગે કાયદા વ્યવસ્થા અને જાહેર સલામતિ જોગઉપસ્થિત 350 ગણેશ મહોત્સવ આયોજકોને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. પોલીસે ટ્રાફિક જેવા પ્રશ્નો માટે જાહેર અપીલ કરી હતી કે વાપી ટાઉનની શ્રીજીની મૂર્તિઓ દમણ દરિયામાં અને જીઆઈડીસી ડુંગરા વિસ્તારની શ્રીજીની મૂર્તિઓ દમણગંગા નદીમાં વિસર્જન કરવાની અપીલ કરી હતી. તદ્દઉપરાંત ડી.જે. મૂર્તિની ઊંચાઈ 9 ફૂટથી વધારે ન હોવી જોઈએ તે પણ પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું હતું.