(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ),તા.05: દેવાધિદેવ મહાદેવજી વિશેષ પૂજા અર્ચના પવિત્ર શ્રાવણ માસની શરૂઆત સોમવાર સાથે જ થતા આજે પ્રથમ દિવસે બીલીમોરા સોમનાથ મહાદેવના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી. જ્યારે મજીગામ સ્થિત પૌરાણિક સ્યંમભુ શ્રી મલ્લિકાર્જુન મહાદેવજીના મંદિરે ભક્તોની કતાર લાગી હતી. ખાસ કરીને ભુદેવોના મંત્રોચ્ચાર સાથે સોળ સોમવારની ઉજવણી કરતી બહેનોની સમગ્ર મંદિર કેમ્પસમાં સંખ્યા વિશેષ જોવા મળી હતી. આ ઉપરાંત ચીખલીમાં કાવેરી નદીના તટે ત્રણ શિવલિંગ ધરાવતા શ્રી મલ્હારેશ્વર મહાદેવજી, શ્રી તડકેશ્વર મહાદેવજી, થાલા બગલાદેવ સ્થિત શ્રી રામેશ્વર મહાદેવજી, કુકેરી ગામે ભુવનેશ્વર મહાદેવજી, મલિયાધરામાં શ્રી મલયેશ્વર મહાદેવજી, તલાવચોરામાં ભીમનાથ મહાદેવજી, યોગેશ્વર મહાદેવજી, જગદીશ્વર મહાદેવજી, ઘેજમાં પાતળેશ્વર મહાદેવજી, ઘેકટીમાં શ્રી કમલેશ્વર મહાદેવજી, ખૂંધમાં કાવેરી નદીના તટે શ્રી સિધ્ધનાથ મહાદેવજી, ખૂંધ સાતપીપળા શ્રી રામેશ્વર મહાદેવજી સહિતના શિવાલયોમાં વહેલી સવારથી જ ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.
શિવાલયોમાં ભક્તોએ શિવલિંગને દૂધ અને જળનો અભિષેક કરી બિલ્વપત્રો, ફૂલો ચઢાવી દર્શન કરી ધન્યતા અનુભવી હતી. શિવાલયો ભક્તોની ચહલ-પહલથી ધમધમવા સાથે ઓમ નમઃ શિવાય અને હર હર મહાદેવના નાદ સાથે ગુંજતા રહ્યાહતા. શ્રાવણ માસની શરૂઆત સાથે જ તાલુકામાં 24-કલાક અખંડ ભજન કીર્તન સાથેની સપ્તાહ ચાલુ થશે. અને ગામે-ગામ રાત્રી દરમ્યાન પણ ભજનોની રમઝટ સાથે ગુંજ સંભળાતી રહેશે.

