નનકવાડા, તરીયાવાડ, ભાગડાખુર્દ ગામ, કૈલાસ રોડ, કાશ્મિર નગર, બંદર રોડ વિસ્તારો પાણીમાં તરતા થયા : 98 જેટલા ગ્રામ્ય રસ્તા બંધ કરાયા
એન.ડી.આર.એફ., ફાયર, પાલિકા, પોલીસ, જીઈબી, આખી રાત ખડે પગે, 500 થી વધુ લોકોને સેલ્ટર હોમમાં ખસેડાયા, તંત્ર હાઈ એલર્ટ ઉપર
– સુરેશ ઉમતીયા દ્વારા
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.05: વલસાડ શહેર અને લગોલગના ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા ત્રણ દિવસથી વરસી રહેલા સાંબેલાધાર વરસાદ ઠેર ઠેર તબાહીનો મંજર ખડકી દીધો છે. ઔરંગા નદીના પાણી અનેક નિચાણવાળા વિસ્તારોમાં ફરી વળતા પુર જેવીસ્થિતિ સર્જાઈ ચૂકી હતી. આખી રાત લોકો પોતાના ઘરોમાં ફફડતા જીવથી જાગતા રહ્યા. પાણી ઘરોમાં ઘૂસી જવાની ઠેર ઠેર દહેશત ફેલાતી રહી હતી. છેલ્લા 48 કલાકથી વલસાડની સ્થિતિ વરસાદે વરવી કરી દીધી છે.
એક તરફ મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપને લઈ સમગ્ર વલસાડ વિસ્તાર અભિવૃત્તિની કગાર ઉપર આવી ચૂક્યો છે. શહેરની લગોલગ વહેતી ઔરંગા નદીના જલસ્તર ભયજનક સપાટીએ ટચ થઈ જતા નદીના પાણી નનકવાડા, તરીયાવાડ, ભાગડાખુર્દ ગામ, કૈલાસ રોડ, કાશ્મિર નગર, બંદર રોડ જેવા નિચાણવાળા વિસ્તારોમાં ફરી વળતા પુર જેવી સ્થિતિ સર્જાવા લાગી હતી. અનેક રસ્તા, રોડ પાણીમાં ડૂબી ગયા હતા. પુર જેવી સ્થિતિનું નિર્માણ થવા લાગ્યું. એટલે એન.ડી.આર.એફ., ફાયર, પાલિકા, પોલીસ, જીઈબી સહિત પ્રશાસન એકશન મોડમાં રહી શનિ-રવિવારની રાતોમાં ખડે પગે રહ્યું હતું. જે જે વિસ્તારના ઘરોમાં જેમ જેમ પાણી ઘૂસવા લાગ્યા તેમ તેમ પ્રશાસન દ્વારા તૈયાર કરાયેલ વલસાડ, પારડી વિસ્તારના રામલાલા મંદિર અને પ્રાથમિક શાળાના સેલ્ટર હોમમાં ખસેડાયા હતા. 500 જેટલા અબાલ વૃધ્ધોને રહેવા, જમવા તથા સુવાની સેવા વિજળી વેગ અપાઈ રહી હતી. સ્વયં સેવી સંસ્થાઓ પણ માનવતાના કામમાં જોડાઈ ગઈ હતી.
વલસાડ વિસ્તારની અતિવૃષ્ટિથી અનેક લો લેવલ પુલ અને કોઝવેપાણીમાં ડૂબી ગયા છે તેથી જિલ્લા પંચાયતના 98 જેટલા ગ્રામ્ય રસ્તા બંધ થઈ ચૂક્યા છે. તેથી ગ્રામ્ય જીવન ઉપર પણ માઠી અસર પડી છે. ખાસ કરીને દૈનિક મજુરી કામ કરી જીવન નિર્વાહ ચલાવતા પરિવારોના લોકો ઘરની બહાર નિકળી શકતા નથી. બીજી તરફ ખેતર, વાડીઓમાં પણ પાણી ફરી રહ્યા હોવાથી ખેતીવાડીને પણ નુકશાન થઈ રહ્યું છે. વલસાડ જિલ્લામાં 75 ઈંચ જેટલો વરસાદ પડી ચૂક્યો છે. પરંતુ આ ચોમાસામાં શહેરી વિસ્તારોમાં સૌથી વધારે માઠી આડ અસર વરસાદની વલસાડ શહેર અને લગોલગના ગ્રામ્ય વિસ્તારોને થઈ છે. બીજુ પુરનું ટેકનિકલ કારણ એ છે કે જિલ્લાની તમામ નદીઓ બે કાંઠે વહે છે તેથી દરિયો બધુ પાણી લઈ રહ્યો નથી. તેથી ઔરંગા, પાર જેવી નદીના પાણી બેક એટલે રિવર્સ પ્રેસર મારી રહ્યા છે તેથી રહેણાંક વિસ્તારોમાં પાણી ઘૂસી રહ્યા છે ત્યારે હવે તો આ કુદરતી આપદા ખમૈયા કરે તેવું સૌ કોઈ ઈચ્છી રહ્યા છે.