પરીક્ષામાં ટેન્શન કરતા અટેન્શન વધુ જરૂરી : બ્રહ્માકુમારી સોનમ ચૌહાણ
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.13: શ્રી ઘનશ્યામ વિદ્યામંદિર અને શ્રી સ્વામિનારાયણ સેકન્ડરી થતા હાયર સેકન્ડરી સ્કૂલ સેલવાવ ખાતે ‘‘પરીક્ષામાં હાઉ કેવી રીતે દૂર કરવો” તે વિષય ઉપર સેમિનારનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે મુખ્ય વક્તા તરીકે બ્રહ્માકુમારી સોનમ ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે વિવિધ પ્રવૃત્તિઓ તથા પીપીટી પ્રેઝન્ટેશન સાથે વિદ્યાર્થીઓને સુંદર માહિતી સભર સમજણ આપી હતી.
શ્રી સ્વામિનારાયણ શિક્ષણ સેવા કેન્દ્ર સલવાવ સંચાલિત શ્રી ઘનશ્યામ વિદ્યામંદિર તથા શ્રી સ્વામિનારાયણ સેકન્ડરી અને હાયર સેકન્ડરી સ્કૂલ ગુજરાતી માધ્યમના ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે ‘‘પરીક્ષાનો હાઉ કેવી રીતે દૂર કરવો” વિષય ઉપર મંગળવારે સંકુલના વચનામૃતમ હોલમાં સેમિનારનું આયોજન આચાર્યશ્રી ચંદ્રવદન પટેલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંસ્થાના પૂજ્ય રામ સ્વામી દ્વારા આશીર્વાદ આપવામાં આવ્યા હતા. ટ્રસ્ટી શ્રીમતી જયશ્રીબેન દ્વારા મુખ્ય વક્તાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સેમિનારના મુખ્ય વક્તા બ્રહ્માકુમારી સોનમચૌહાણ જે આ જ સંસ્થાના ભૂતપૂર્વ વિદ્યાર્થી હોય તેમના દ્વારા ખૂબ જ સુંદર પ્રવૃત્તિઓ સાથે તથા પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન સાથે પરીક્ષા સમયે કેવા પ્રકારના ડર ઘર કરી જતાં હોય છે તે વર્ણવી આ ડર ને દૂર કરવા માટે શું કરવું તે અંગેની પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન ઉપર સુંદર સમજણ આપી હતી. તેમણે વિદ્યાર્થિઓને સંબોધતા જણાવ્યું હતું કે, પરીક્ષામાં ટેન્શન નહીં પરંતુ અટેંશનની જરૂર છે. આપણા માઈન્ડમાં નાં ને સ્થાન નથી હોતું તેથી કોઈ પણ પડકારનો હકારત્મક સામનો કરવો જોઈએ.
આ કાર્યક્રમમાં વિદ્યાર્થી ભાઈ-બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને સમગ્ર સેમિનારને રસ પૂર્વક માણ્યો હતો.
આ પ્રસંગે સ્વાગત પ્રવચન આચાર્ય શ્રી ચંદ્રવદન પટેલે કર્યો હતો. વક્તા પરિચય અને કાર્યક્રમનું સંચાલન શ્રીમતી નિરાલીબેન ડોંગરેએ કર્યું હતું.