(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.21: ચીખલી-વાંસદા રાજ્યધોરી માર્ગ સ્થિત થાલામાં બગલાદેવ સર્કલ પાસેથી ખેરગામ તરફ જતો રાજ્યધોરી માર્ગ પર પણ પસાર થાય છે. અને આ સર્કલ પાસે અવાર નવાર ટ્રાફિક પણ સર્જતો હોય છે. તેવામાં હાલે ચીખલીના એક જવેલર્સના દુકાનદારે માર્ગની વચ્ચેના ડિવાઈડર પર સર્કલની બન્ને બાજુ લોખંડની ચેનલથી ધણી ઊંચાઈવાળું સ્ટ્રક્ચર બનાવી પોતાની દુકાનની જાહેરાતના મસમોટા હોર્ડિંગ્સ લગાવી દીધા છે. માર્ગ મકાન વિભાગની પરવાનગી વિના સર્કલ બન્નેબાજુના અને ચીખલી કોલેજ સર્કલથી ચીખલી હાઇવે ચાર રસ્તા ઓવરબ્રિજ સુધીમાં લાઈટ પોલના થાંભલા ઉપર હોર્ડિંગ્સની હારમાળા હતી. અને હાલે ચોમાસાની પણ સિઝન છે. તેવામાં તેજ ગતિથી પવમ ફૂંકાઈ અને આ લોખંડની ચેનલ, હોર્ડિંગ્સના કારણે કોઈ જાનહાની થાય તો તે માટે જવાબદાર કોણ ? તેવા અનેક સવાલો ઉભા થવા પામ્યા છે.
ઉપરોક્ત હકીકત અંગેના અખબારી અહેવાલ બાદ સફાળા જાગેલા માર્ગ મકાન વિભાગના અધિકારીઓએ યુધ્ધના ધોરણે રાજ્ય ધોરી માર્ગ વચ્ચેના ડિવાઈડર ઉપરના તમામ હોર્ડિંગ્સ ઉતારી લેવાની કામગીરી હાથ ધરી હતી. જોકે આ હોર્ડિંગ્સ જાહેર માર્ગ ઉપર લાગેલા હોવા છતાં સ્થાનિક માર્ગ મકાન વિભાગના અધિકારીઓ ગાંધારીની ભૂમિકા ભજવતા હોય તેમ જાહેર હિતને નેવે મૂકી આંખ આડા કાન કરવામાં આવી રહ્યા હતા. પરંતુ અખબારી અહેવાલ બાદ અધિકારીઓએ સક્રિયતા દાખવતા લોકોને રાહત થવા પામી છે.

Previous post