રાષ્ટ્રીય કક્ષાએ ગુજરાતમાંથી એક માત્ર વલસાડના અધિકારીની
પસંદગી થતા ખુશીની લહેર પ્રસરી
53 વર્ષ જૂની રૂા. 10 કરોડથી વધુની વસૂલાત વ્યાજ સાથે કરી
ઉત્કૃષ્ટ ફરજ બજાવી હતી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.22: ભારતીય ઈન્કમટેક્સ વિભાગને 165 વર્ષ પૂરા થયા છે. વિભાગમાં ઉત્કળષ્ટ કામગીરી બદલ દેશના 29 અધિકારીઓનું નાણામંત્રી નિર્મલા સિતારમનના હસ્તે રાષ્ટ્રીય કક્ષાએ દિલ્હી ખાતે સન્માન કરવામાં આવ્યું હતુ. જેમાં ગુજરાતના એક માત્ર અધિકારી તરીકે વલસાડ ઈન્કમ ટેક્સ ઓફિસર ધર્મેન્દ્ર(ધર્મેશ) ટેકવાણીનું સર્ટિફિકેટ ઓફ એકસેલન્સ દ્વારા સન્માન કરાયું છે. જેના પગલે સમગ્ર વલસાડ સાથે ગુજરાત ઈન્કમટેક્સ વિભાગમાં ખુશીની લહેર ફરી વળી હતી.
ઈન્કમટેક્સ વિભાગમાં શ્રેષ્ઠ કામગીરી બદલ દર વર્ષે શ્રેષ્ઠ કામગીરી કરનારા અધિકારીઓની પસંદગી થતી હોય છે. આ વર્ષે ગુજરાતમાં એક માત્ર અધિકારીની પસંદગી થઈ હતી. જેમાં વલસાડના ઈન્કમટેક્સ ઓફિસર ધર્મેન્દ્ર ટેકવાણીની પસંદગી થઈ હતી. તેમના દ્વારા વલસાડ અને દમણના ઈન્કમટેક્સ અધિકારી તરીકે વર્ષ 1970-71 અને વર્ષ 1971-72ના વર્ષની જૂની ડિમાન્ડની વસૂલાત થઈ હતી. આ વસૂલાત રૂા.10 કરોડ થી વધુની હતી. જેમાં મોટું વ્યાજ અને પેનલ્ટી સામેલ હતી. 53 વર્ષ જૂની વ્યાજ સાથેની વસૂલાત કરવા બદલ તેમની રાષ્ટ્રીય કક્ષાએ પસંદગી થવા પામી છે.
રાષ્ટ્રિય કક્ષાએ એવોર્ડ મેળવનાર ઇન્કમટેક્સ અધિકારી ધર્મેન્દ્ર(ધર્મેશ) ટેકવાણી હાલ સેલવાસ ઈન્કમટેક્સ વિભાગનો હવાલો સંભાળી રહ્યા છે. તેમની આ સિદ્ધિ બદલ વલસાડ જ નહી, પરંતુ સમગ્ર ગુજરાત અને સંઘ પ્રદેશ દમણ અને સેલવાસના અધિકારીઓમાં પોતાના કામ પ્રત્યે ઉત્સાહની લાગણી જન્મી છે.