(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી, (વંકાલ), તા.04: ચીખલી તાલુકાના સતાડીયા ગામના પીપળા ફળિયાથી અંદાજે 400-થી વધુની વસ્તી છે. આ ફળિયાને તાલુકા-જિલવા મથકે જવા માટે એક તરફ ખરેરા નદી અને બીજી તરફ વાંકી નદીના કોઝ-વે પરથી પસાર થઈને જવું પડે છે. ચોમાસામાં સ્થાનિક વિસ્તાર અને ઉપરવાસમાં નોંધપાત્ર વરસાદ હોય તેવામાં છાશવારે ખરેરા અને વાંકી નદીના ડૂબાઉ કોઝ-વે પુરના પાણીમાં ગરકાવ થઈ જતા હોય છે. જેને લઈને આ પીપળા ફળીયાના લોકો ચોમાસામાં અવાર નવાર તાલુકા-જિલ્લા મથકેથી સંપર્ક વિહોણા થતા હોય છે. શાળા-કોલેજના વિદ્યાર્થીઓ, ડેરીમાં દૂધ ભરવા માટે જતા પશુ પાલકો, નોકરિયાતો સહિતના અનેક લોકોની મુશ્કેલીનો પાર રહેતો નથી. અને તેમાં કોઈ આકસ્મિક બીમારીમાં સપડાય તો સમયસર સારવાર પણ આપી શકાતીનથી.
સતાડીયાના પીપળા ફળીયાના લોકોને બહાર જવા માટેના બે માર્ગો છે. પરંતુ આ બંને માર્ગો પર ખરેરા અને વાંકી નદીના ડૂબાઉ કોઝ-વે પરનો વહેતા પાણીના ધસમસતા પ્રવાહમાંથી પસાર થતા હોય છે. અને કોઝ-વે પર રેલિંગનો અભાવ હોવાથી લોકોની સલામતીની પણ કોઇ વ્યવસ્થા જોવા મળતી નથી.
ઉપરોક્ત સ્થિતિમાં પીપળા ફળીયાના લોકો તથા આગેવાનો દ્વારા નવા ચૂંટાયેલા સાંસદ ધવલભાઈ સમક્ષ નવા પૂરતી ઊંચાઈવાળા પુલના નિર્માણની માંગ કરવામાં આવી છે. જોકે વલસાડ લોકસભા મતવિસ્તારમાં તાલુકાના સારવણી ગામના નદી ફળીયા, ફડવેલના આંબાબારી ફળીયા અને દોણજાના નાની ખાડી ફળીયાના લોકોની પણ આવી જ સ્થિતિ છે. ત્યારે આઝાદીના હજુ કેટલા વર્ષો બાદ આ લોકોની સમસ્યા દૂર થશે તે જોવું રહ્યું.
સ્થાનિક તાલુકા પંચાયત સભ્ય મહેશભાઈના જણાવ્યાનુસાર અમારા વિસ્તારના સતાડીયા ગામના પીપળા ફળીયાના લોકોના ખરેરા અને વાંકી નદીના ડૂબાઉ પુલના કારણે ચોમાસામા વારંવાર સંપર્ક કપાતો હોય છે. ત્યારે આ લોકોની સમસ્યાના કાયમી નિકાલ માટે નવા પુલના નિર્માણ માટે અમોએ સાંસદ ધવલભાઈને મૌખિક અને લેખિત રજૂઆત પણ કરી છે.