તલાવલીમાં આવેલા પૂરમાં ફસાયેલા 15થી વધુ વ્યક્તિઓનું કરાયું રેસ્ક્યુ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.04 : ગુજરાતના વલસાડ અને મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાને અડીને આવેલા કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલીમાં બુધવારની વહેલી સવારથી મોડી સાંજે સુધીમાં બે ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો. જેમાં ખાનવેલ વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યો હતો. ધોધમાર વરસાદમાં સાકરતોડ નદીમાં ઘોડાપૂર આવવાને કારણે તલાવલી વિસ્તારમાં પાણી ભરાવાના કારણે ફસાયેલા 15 જેટલા વ્યક્તિઓનું દાનહ ફાયર વિભાગની ટીમે રેસ્ક્યુ કરી બહાર લાવવામાં આવ્યા હતા. રેસ્ક્યુ કરાયેલા લોકોને પ્રશાસન દ્વારા સરકારી શાળામાં રહેવા અને જમવા તેમજ પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી.
આ ઘટનાની જાણ થતાં જિલ્લા કલેક્ટર, ખાનવેલના નિવાસી નાયબ કલેક્ટર સહિતને થતાં પ્રશાસનની ટીમ અને જિલ્લા પંચાયત પ્રમુખ, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ દોડી ગયા હતા અને રેસ્ક્યુ કરાયેલા લોકોના હાલચાલ પૂછ્યા હતા અને જરૂરી તમામ સુવિધાઓ પુરી પાડવા બાહેંધરી આપી હતી.
દાનહ મુખ્ય મથક સેલવાસમાં પણ 63.6એમએમ/ 2.42ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. ખાનવેલમાં 65.2એમએમ/2.57 ઇંચ વરસાદ વરસ્યો હતો. સિઝનનો કુલ વરસાદ સેલવાસમાં 2867.2 એમએમ/ 112.88 ઇંચ અને ખાનવેલમાં2774.4 એમએમ/ 109.23ઇંચ થયો છે. મધુબન ડેમની જળસપાટી 76.55 મીટરે નોંધાઈ હતી. ડેમમાં પાણીની આવક 21743 ક્યુસેક છે અને પાણીની જાવક 16945 ક્યુસેક હોવાનું મધુબન જળાશયના સત્તાધિશો દ્વારા જાણવા મળ્યું હતું.