હવે ‘હમ દો હમારે દો’ નહીં પરંતુ ‘હમ દો હમારે પાંચ’નો અમલ કરવા ભાગવતાચાર્ય મેહુલભાઈ જાનીનું સમગ્ર હિન્દુ સમાજને આહ્વાન
દાનહ અને દમણ-દીવ પ્રદેશ ભાજપ ઉપ પ્રમુખ નવિનભાઈ પટેલે પોતાની ઓજસ્વી વાણીમાં ‘બટેંગે તો કટેંગે’ અને ‘હમ એક હૈ તો સેફ હૈ’ની જરૂરિયાતને વિસ્તૃત રૂપથી સમજાવી હિન્દુ સમાજને જાત પાત સંપ્રદાયને ભૂલી એક મંચ ઉપર આવવા કરેલી અપીલ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.04 : હિન્દુ હિત રક્ષા સમિતિ, દમણ દ્વારા આજે નાની દમણના દિલીપનગર મેદાન ઉપર ધરણાં-પ્રદર્શન અને હિન્દુ જન જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સંત સમાજ, સર્વ સમાજ તથા મોટી સંખ્યામાં સનાતન હિન્દુ ધર્મમાં આસ્થા રાખતા લોકો જોડાયા હતા.
આ પ્રસંગે આયોજીત કાર્યક્રમમાં ભાગવતાચાર્ય પ.પૂ. શ્રી મેહુલભાઈ જાનીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, હિન્દુ સમાજ અને સંસ્કૃતિના રક્ષણ માટે હવે ‘હમ દો હમારે દો’ નહીં પરંતુ ‘હમારે પાંચ’નો સંકલ્પ લેવો પડશે. તેમણે બાંગ્લાદેશમાં હિન્દુ સમુદાય ઉપર થઈ રહેલા અત્યાચારનો ઉલ્લેખ કરી જણાવ્યું હતું કે, ભારતમાં પણ કેરલજેવા રાજ્યમાં હિન્દુ મંદિરો અને હિન્દુ પૂજારીઓની સલામતિ નથી. તેમણે સમસ્ત હિન્દુ સમુદાયને ભગવાન શ્રીકૃષ્ણનું સુદર્શન ચક્ર, મહાદેવનું ત્રિશુળ અને બજરંગબલીની ગદામાંથી પ્રેરણા લેવા આહ્વાન કર્યું હતું.
આ કાર્યક્રમના મુખ્ય આયોજક દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રદેશ ભાજપના ઉપ પ્રમુખ શ્રી નવિનભાઈ પટેલે પોતાની ઓજસ્વી વાણીમાં ‘બટેંગે તો કટેંગે’ અને ‘હમ એક હૈ તો સેફ હૈ’ની જરૂરિયાતને વિસ્તૃત રૂપથી સમજાવી હતી. તેમણે જણાવ્યું હતું કે, હિન્દુ સમાજે જાત પાત સંપ્રદાયને ભૂલી એક મંચ ઉપર આવવા અપીલ કરી હતી. તેમણે બાંગ્લાદેશમાં થઈ રહેલા અત્યાચારોને કોઈ કાળે બર્દાસ્ત નહીં કરાય એવી સ્પષ્ટ ચેતવણી પણ આપી હતી. તેમણે વિવિધ સ્લોગનો અને વીરત્વ ભરેલી કવિતાથી સમગ્ર સમારંભને આક્રોશિત કર્યો હતો.
આ પ્રસંગે દેશ અને વિદેશમાં ખ્યાતિપ્રાપ્ત શ્રી સંજય મહારાજ પંડિતે બાંગ્લાદેશની ઘટનાનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, બાંગ્લાદેશીઓ ભારતમાં પણ ઘુસી રહ્યા છે. તેમણે માહિતી આપી હતી કે, ભગવાધારી સાધુઓના વેશમાં વિધર્મીઓ પણ ફરી રહ્યા છે અને ભગવાધારી સાધુઓ ક્યારેય ભીક્ષા નહીં માંગતા હોવાનું પણ જણાવ્યું હતું.
નાની દમણ દિલીપનગર ગ્રાઉન્ડથી રેલી સ્વરૂપે સૂત્રોચ્ચાર સાથે મોટી દમણ કલેક્ટરાલયસુધી કૂચ કરી હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આ કાર્યક્રમમાં પૂર્વ સાંસદ શ્રી લાલુભાઈ પટેલ, શ્રી સંજય મહારાજ, ભાગવતાચાર્ય શ્રી મેહુલભાઈ જાની, શ્રી ચેતનભાઈ જોષી, આર.એસ.એસ.ના શ્રી પ્રફુલભાઈ પટેલ, શ્રી આનંદભાઈ પિંપુટકર, પતંજલિ યોગ સમિતિના જિલ્લા અધ્યક્ષ શ્રીમતી વર્ષાબેન ભટ્ટ, ઈસ્કોન મંદિર મોટી દમણના સંત શ્રી દીપક સુંદરદાસ, આર.એસ.એસ. દમણના શ્રી યોગેશભાઈ પટેલ, દમણ નગરપાલિકાના અધ્યક્ષ શ્રી અસ્પીભાઈ દમણિયા, દમણ જિલ્લા પંચાયતના ઉપ પ્રમુખ શ્રી બાબુભાઈ પટેલ, સ્ટેપ અપ ફાઉન્ડેશનના શ્રી વિશાલભાઈ ટંડેલ, શ્રી લખમભાઈ ટંડેલ, ગૌરક્ષા મંચના શ્રી હર્ષલભાઈ પટેલ, શ્રી કરસનભાઈ ભાનુશાલી, વિશ્વ હિન્દુ પરિષદના શ્રી સમીપ સૂરવે, ભીમપોર ગ્રામ પંચાયતના સરપંચ શ્રી શાંતુભાઈ પટેલ, વરકુંડ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી કિરીટભાઈ મીટના, દમણવાડા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી મુકેશ ગોસાવી, શ્રી ભરતભાઈ પટેલ(દુણેઠા), શ્રી જયેશભાઈ મકનભાઈ પટેલ, શ્રી હરિશભાઈ પટેલ (દાભેલ) સહિત મોટી સંખ્યામાં હિન્દુ સનાતની ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.