બા તમે ગરીબ જેવા દેખાવા જોઈએ તો જ તમને પૈસા મળશે જણાવી સોનાના પાટલા અને વીંટી સહિતની રૂા.2.75 લાખની કિંમતના દાગીના ઉતરાવી મહિલા ફરાર થઈ ગઈ હતી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી, (વંકાલ), તા.04: નવસારીની વૃધ્ધાને આર્થિક સહાય અપાવવાના બહાને ચીખલી લાવી બા તમે ગરીબ જેવા દેખાવા જોઈએ તો જ તમને પૈસા મળશે જણાવી સોનાના પાટલા અને વીંટી સહિતની રૂ.2.75 લાખની કિંમતના દાગીના ઉતરાવી ફરાર થઈ જનાર મહિલા સામે પોલીસે ગુનો નોંધી ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.
10,000/- ની આર્થિક સહાય મેળવવાની લાલચે વૃધ્ધાને રૂ.2.75 લાખના સોનાના દાગીના ખોવાનો વારો આવ્યો હતો.
પોલીસ મથકેથી પ્રાપ્ત વિગત મુજબફરિયાદી ગૌતમભાઈ હરેન્દ્રભાઈ પરીખ (રહે.રાજહંસ કોલર ફલેટ, ડી-વિંગ પ્રસંગ પાર્ટી પ્લોટ લુન્સીકુઈ નવસારી) ની માતા પ્રીતિબેન કે જેઓ નવસારી દડંગરવાડ ટેકરા વૈકુંઠ સોસાયટી ખાતે રહેતા હોય તેઓ તા.19-ઓગસ્ટ-24 ના રોજ સવારે મંદિરે દર્શન કરી ઘરે પરત આવી રહ્યા હતા તે દરમ્યાન રાજુ સમોસાવાળાની દુકાન પાસે આવેલ એક મહિલાએ પોતાનું નામ અલ્પા છે અને દીકરી સાથે નવસારીમાં જ રહેતા હોવાની ઓળખ આપી બા તમે વૃધ્ધ છો જેથી હું તમને રૂ.10,000/- અપાવીશ પરંતુ એના માટે થોડું દૂર જવું પડશે એમ જણાવી રિક્ષામાં બેસાડી ગણદેવી થઈને ચીખલી બસ સ્ટેન્ડ પર લાવી ‘‘બા તમે ગરીબ જેવા દેખાવા જોઈએ તો જ તમને પૈસા મળશે,” તેવું કહી બસ સ્ટેન્ડના બાથરૂમમાં લઈ જઈ બે સોનાના પાટલા, ચાર સોનાની વીંટી સહિત રૂ.2,75,000/- ના દાગીના ઉતરાવી તેના પાકિટમાં મૂકી દઈ આ ઘરેણા મારી પાસે સાચવીને રાખું છે.
બાદમાં તમારો ફોટો પડાવવો પડશે તેમ કહી ચીખલી શાકભાજી માર્કેટ પાસે આવેલ ફોટો સ્ટુડિયોમાં લઇ જઇ ફોટા પડાવ્યા બાદ થોડા આગળ જઇ બા તમારે અહીં ઉભા રહો હું તમારા ફોટા લઈને આવું છું તેમ જણાવી આ મહિલા ફરાર થઈ ગઈ હતી.
ઉપરોક્ત હકીકત મુજબના બનાવમાં પોલીસે છેતરપીંડીનોગુનો નોંધી તપાસ પીએસઆઈ-સમીરભાઈ કડીવાલાએ હાથ ધરી હતી. નવસારીની વૃધ્ધા સાથે છેતરપીંડી કરનાર મહિલા સઇદાબીબી ફિરોજખાન પઠાણ (ઉ.વ-37) (રહે.દાગજીપુરા ઠાકોરવાસ તા.ઉમરેઠ જી.આણંદ) ની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.