બે પરિવાર રેલવે યાર્ડમાં રાત્રે દર્શન કરી પરત આવતા હતા ત્યારે
બે મોપેડને કારે ટક્કર મારી
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.15: વલસાડ રાજનગર સોના કોમ્પલેક્ષના બે પડોશી પરિવાર બે મોપેડ ઉપર રેલવે યાર્ડમાં ગણેશ દર્શન કરવા ગયા હતા. રાત્રે 10 વાગ્યાના સુમારે એક કાર ચાલકે બન્ને મોપેડને ઘરની પાસે જ ટક્કર મારી દેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં મોપેડ સવાર બે મહિલાઓ ઘાયલ થઈ હતી તે પૈકી એક મહિલાનું સારવારમાં કરુણ મોત થયું હતું.
વલસાડ રાજનગર સોના કોમ્પલેક્ષ ફલેટ નં.303માં રહેતા શિવપ્રસાદ ત્રિવેદી જેઓ રેલવેમાં ફરજ બજાવે છે તેમની પત્ની રીટાબેન તથાપડોશી કિર્તીબેન રાઠોડ તથા પૂત્રી શ્રેયા બે મોપેડ ઉપર રેલવે યાર્ડમાં મોપેડ નં.જીજે 15 ઈજી 6309 તથા મોપેડ નં.જીજે 15 એએન 0082 લઈ ચારેય રેલવે યાર્ડમાં ગણેશ દર્શન કરવા ગયા હતા. રાત્રે 10 વાગ્યાના સુમારે ઘરે પરત ફરી રહેલા ત્યારે ઘરની નજીક બેલેનો સફેદ કાર નં.જીજે 15 સીજે 5721ના ચાલક રાકેશ ગુપ્તાએ બન્ને મોપેડને ટક્કર મારી દેતા ગંભીર અકસ્માત થયો હતો. રીટાબેન ત્રિવેદી અને કિર્તિબેનને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. હોસ્પિટલમાં રીટાબેન ત્રિવેદીનું સારવારમાં મોત નિપજ્યું હતું. પોલીસે કાર ચાલક રાકેશ ગુપ્તાની અટક કરી હતી.