તા.5મી મેના સાંજે 6:00 વાગ્યાથી તા.8મી મેના બુધવારે સવારે 9:00 વાગ્યા સુધી દારૂબંધીનો અમલ રહેશેઃ આ અમલ મત ગણતરીના દિવસે પણ લાગુ પડશે
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.01 : આગામી લોકસભા ચૂંટણી-2024ના સંદર્ભમાં સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં ચૂંટણીના 72 કલાક પહેલાંથી લઈને ચૂંટણી સંપન્ન થયાના બીજા દિવસ સુધી દારૂબંધીનો અમલ ફરમાવાયો છે.
સંઘપ્રદેશ પ્રશાસનના સંયુક્ત કરવેરા સચિવ શ્રી જતિન ગોયલની એક અખબારી યાદીમાં જણાવાયું છે કે, પ્રદેશમાં મુક્ત, ન્યાયી, તટસ્થ, નિષ્પક્ષ અને પારદર્શક ચૂંટણી યોજાઈ તે માટે તા.5મી મેના રવિવારે સાંજે 6:00 વાગ્યાથી ચૂંટણી તા.7 મે અને તેના આગલા દિવસે તા.8મી મેના બુધવારે સવારે 09:00 વાગ્યા સુધી અને ત્યારબાદ મત ગણતરી તા. 04થી જૂનના મંગળવારે આખો દિવસ ચુસ્ત દારૂબંધીનો અમલ ફરમાવાયો છે.
દાનહ અને દમણ-દીવ આબકારી જકાત નિયમો 2020ના નિયમ 111ના પેટા નિયમ (4) હેઠળ દારૂના વેચાણ પર કાપ મુકવો જાહેર હિતમાં જરૂરી છે, તેથી પ્રશાસન દ્વારા નિર્દેશ કરવામાં આવ્યો છે કે દાનહ અને દમણ-દીવના તમામ દારૂ ઉત્પાદન મથકો/ડિસ્ટિલરીઓ/બ્રુઅરીઝ અને તમામ વાઇનશોપ, બાર અને રેસ્ટોરન્ટ, દારૂનું વેચાણ/પીરસતીહોટલો મતદાનના 72 કલાક પહેલાં એટલે કે, તા.05 મેના રોજ સાંજે 6:00 વાગ્યાથી મતદાન તારીખ બાદ બીજા દિવસે તા.08મી મેના બુધવારે સવારે 09:00વાગ્યા સુધી બંધ રાખવા આદેશ કરાયો છે. આ આદેશ મત ગણતરીના દિવસે પણ લાગુ પડશે.