(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.15 : દાદરા નગર હવેલીમાં એક વર્ષ પહેલા નરોલી ગામે ગેરકાયદેસર ચોરી કરેલા ઓઈલના કારોબાર પર પોલીસે દરોડો પાડી મોટી માત્રામાં ઓઇલ જપ્ત કરવા સાથે બેનંબરીયા ઓઇલ માફિયાઓ સામે કાર્યવાહી હાથ ધરી હતી. જો કે, તે બાદ પણ આ બદી અટકી નથી. હાલમાં ફરી આવી જ રીતે ગેરકાયદેસરનો કારોબાર દાદરા નગર હવેલીમાંફૂલીફાલી રહ્યો છે.
સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ દાદરામાં એક ટ્રાન્સપોર્ટની આડમાં એક ટ્રાન્સપોર્ટર અને જૂની ઓઇલ માફિયાઓની ગેંગમાંથી પોતાનો અલગ ચોકો ઉભો કરનાર વ્યક્તિએ પાર્ટનરશીપમાં આ ગોરખધંધો શરૂ કર્યો છે. જે સંઘપ્રદેશના અનેક અધિકારીઓની મીઠી નજર હેઠળ ચાલી રહ્યો હોવાનું જાણવા મળે છે. આ કાળા કારોબારીઓ એવા મિશ્રા ખાનની ટોળકી રિલાયન્સ જેવી મોટા ગજાની કંપનીઓમાંથી હજીરા ટૂ મુંબઈ વચ્ચે ચાલતા ટ્રકના ડ્રાઈવરને લોભ લાલચ આપી દાદરામાં ટ્રાન્સપોર્ટની આડમાં ઉભા કરેલા ગોડાઉન પર લાવે છે અને ત્યારબાદ બાદ ટ્રકમાં ભરેલ ઓઇલ, પેલેટ્સ, ધાગા/વાઈસનો કેટલોક જથ્થો કાઢી તેને બારોબાર વેચીને તગડી કમાણી કરી રહ્યા છે.
મળતી માહિતી મુજબ આ કારોબારીઓ રીઢા ગુનેગાર પણ છે. આવી જ ચોરીમાં જેલની હવા પણ ખાઈ ચુક્યા છે અને જેલમાંથી બહાર આવ્યા બાદ ફરી એકવાર દાદરામાં આજ ધંધો શરૂ કર્યો છે. હવે જોવાનું એ રહ્યું કે, આ બેનંબરીયાઓ પર વહીવટીતંત્ર પોતાની ધાક ક્યારે બેસાડશે કે પછી…?
![](https://newsreach-publisher.s3.ap-south-1.amazonaws.com/vartmanpravah.com/2024/09/IMG-20240913-WA0062-960x432.jpg)