October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

રાજ્‍યના નાણાં મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના અધ્‍યક્ષસ્‍થાને વલસાડના પારડીના મોતીવાડામાં ગરીબ કલ્‍યાણ મેળો યોજાયો

જિલ્લાના કુલ 1681 લાભાર્થીઓને કુલ રૂા. 3,78,79,073ની સાધન સહાયનું વિતરણ કરવામાં આવ્‍યું

બનાસકાંઠાનાડીસામાં મુખ્‍યમંત્રીની ઉપસ્‍થિતિમાં યોજાયેલા રાજ્‍યકક્ષાના ગરીબ કલ્‍યાણ મેળાનું જીવંત પ્રસારણ પણ સૌએ નિહાળ્‍યું

ગરીબ કલ્‍યાણ મેળામાં સરકારની યોજનાનો સીધો લાભ લાભાર્થીને મળે અને લાભાર્થી સાથે સંપર્ક પણ થાય છેઃ મંત્રી કનુભાઈ દેસાઈ

વર્ષ 2009 થી અત્‍યાર સુધીમાં યોજાયેલા ગરીબ કલ્‍યાણ મેળાનો 1 કરોડ 66 લાખ લોકોએ લાભ લીધો હોવાનું જણાવતા મંત્રી

વલસાડ જિલ્લામાં યોજાયેલા ગરીબ કલ્‍યાણ મેળામાં મહિલા સશક્‍તિકરણના દર્શન થયા હોવાનું મંત્રીએ હર્ષભેર જણાવ્‍યું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.27V રાજ્‍યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્‍સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના અધ્‍યક્ષસ્‍થાને વલસાડ જિલ્લાના પારડી તાલુકાના મોતીવાડા ખાતે શ્રી દક્ષિણ વિભાગ કોળી સમાજની વાડીમાં 14માં તબક્કાનો ગરીબ કલ્‍યાણ મેળો યોજાયો હતો. જેમાં વિવિધ કલ્‍યાણકારી યોજનાના કુલ 1681 લાભાર્થીઓને કુલ રૂા.3,78,79,073ની સાધન સહાય ચૂકવવામાં આવી હતી.
આ પ્રસંગે રાજ્‍યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્‍સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ જનમેદનીને સંબોધી જણાવ્‍યું કે, વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્‍યમંત્રી હતા ત્‍યારથી સમાજના દરેક વર્ગના લોકોને રોજગારી મળે, આવક વધે તે માટે વાઈબ્રન્‍ટ ગુજરાત,શિક્ષણનું પ્રમાણ વધે તે માટે શાળા પ્રવેશોત્‍સવ, આરોગ્‍યલક્ષી સુવિધા ઘર આંગણે મળે તે માટે આયુષ્‍યમાન કાર્ડ-હેલ્‍થ એન્‍ડ વેલનેસ સેન્‍ટર, આદિવાસી સમાજનો વિકાસ થાય તે માટે વનબંધુ યોજના, માછીમાર સમાજના વિકાસ માટે સાગરખેડુ યોજના સહિતની અનેકવિધ કલ્‍યાણકારી યોજનાઓનો પ્રારંભ કરાવી સમાજના દરેક વર્ગના સર્વાંગી વિકાસની યાત્રા શરૂ કરાવી હતી, જેને રાજ્‍યના મુખ્‍યમંત્રીશ્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલ આગળ વધારી રહ્યા છે.
ગરીબ કલ્‍યાણ મેળાનું મહત્‍વ સમજાવતા મંત્રીશ્રી કનુભાઈએ વધુમાં જણાવ્‍યું કે, સરકારની યોજનાનો લાભ લાભાર્થીને સીધો મળે અને લાભાર્થી સાથે સીધો સંપર્ક થાય તેવા શુભ આશય સાથે ગુજરાતના તત્‍કાલીન મુખ્‍યમંત્રીશ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ વર્ષ 2009માં ગરીબોના જીવનને ગરિમામય બનાવતો અનોખો સેવાયજ્ઞ એટલે ગરીબ કલ્‍યાણ મેળાનો પ્રારંભ કરાવ્‍યો હતો. જેનો આજે 14મો તબક્કો યોજાઈ રહ્યો છે. 2009 થી અત્‍યાર સુધીના મેળાનો 1 કરોડ 66 લાખ લોકોએ લાભ લીધો છે.
મંત્રીશ્રીએ હર્ષભેર જણાવ્‍યું કે, આજે અહીં જિલ્લાના 1681 લાભાર્થીઓને કુલ રૂા.3 કરોડ 78 લાખથી વધુની સહાય આપવામાં આવી છે. જેમાં પણ વિશેષ વાત એ છે કે, સૌથી વધુ લાભાર્થી મહિલાઓ છે. વડાપ્રધાનશ્રીએ મહિલા સશક્‍તિકરણનીદિશામાં પહેલ કરી સખી મંડળો, દૂધ મંડળીઓ, બહેનોના નામે મિલકત ખરીદી થાય તે માટે સ્‍ટેમ્‍પ ડયૂટીની ફીમાં માફી સહિતની અનેક મહિલા કલ્‍યાણલક્ષી યોજનાઓનો પ્રારંભ કરાવ્‍યો હતો. આ જન કલ્‍યાણકારી યોજનાઓનું મુખ્‍યમંત્રીશ્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલ આજે કુશળ નેતૃત્‍વ કરી રહ્યા છે. મંત્રીશ્રી દેસાઈએ મુખ્‍યમંત્રીશ્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલની કામગીરીને બિરદાવી ગુજરાતના વિકાસમાં સૌ પોતાનું યોગદાન આપે એવું આહ્‌વાન કર્યું હતું.
આ ગરીબ કલ્‍યાણ મેળામાં મહિલા સશક્‍તિકરણના દર્શન થયા હતા. બહેનો આત્‍મનિર્ભર બને તે માટે તેઓને વધુ પ્રાધાન્‍ય અપાયું છે. કુલ 1681 લાભાર્થીમાંથી 1240 મહિલા લાભાર્થી હતા જ્‍યારે 441 પુરૂષ લાભાર્થી હતા. લાભાર્થીઓને મહાનુભાવોના હસ્‍તે સાધન સહાય વિતરણ કરવામાં આવી હતી. વિવિધ યોજનાકીય લાભો અંગે લાભાર્થીઓએ પોતાના પ્રતિભાવ આપ્‍યા હતા. બનાસકાંઠાના ડીસા ખાતે મુખ્‍યમંત્રીશ્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલની ઉપસ્‍થિતિમાં યોજાયેલા રાજ્‍ય કક્ષાના ગરીબ કલ્‍યાણ મેળાનું જીવંત પ્રસારણ સૌએ નિહાળ્‍યું હતું. ગુજરાત સરકારની સિધ્‍ધિઓને દર્શાવતી શોર્ટ ફિલ્‍મ પણ સૌએ નિહાળી હતી.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી મનહરભાઈ પટેલ, કપરાડાના ધારાસભ્‍ય જીતુભાઈ ચૌધરી, ધરમપુરના ધારાસભ્‍ય અરવિંદભાઈ પટેલ,વલસાડના ધારાસભ્‍ય ભરતભાઇ પટેલ, માજી જિલ્લા પંચાયત પ્રમુખ અલકાબેન શાહ, જિલ્લા કલેકટરશ્રી નૈમેષ દવે, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ડો. કરણરાજ વાઘેલા, પ્રૉબેશનરી આઇએએસ પ્રસન્નજીત કૌર, નિવાસી અધિક કલેકટર અનસૂયા જહાં સહિત જિલ્લાના પદાધિકારીઓ, અધિકારીઓ અને લાભાર્થીઓ મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા.
સ્‍વાગત પ્રવચન જિલ્લા વિકાસ અધિકારીશ્રી અતિરાગ ચપલોતે કર્યું હતું. જ્‍યારે આભારવિધિ જિલ્લા ગ્રામ વિકાસ એજન્‍સીના નિયામકશ્રી અશોક કલસરિયાએ કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન તારેશ સોનીએ કર્યું હતું.

મંત્રીએ સરકારની વિવિધ યોજનાના સ્‍ટોલની પણ મુલાકાત લીધી


રાજ્‍ય સરકારની વિવિધ યોજનાનો લાભ એક જગ્‍યા પરથી લાભાર્થીઓને સીધે સીધો મળે તે માટે ગરીબ કલ્‍યાણ મેળામાં સરકારના વિવિધ 20 જેટલા વિભાગની અલગ અલગ યોજનાનો લાભ આપવામાં આવ્‍યો હતો. આ સિવાય વિવિધ કચેરીના કુલ 16 સ્‍ટોલ પણ લગાવવામાં આવ્‍યા હતા. આ તમામ સ્‍ટોલની મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ મહાનુભાવો સાથે મુલાકાત કરી હતી. આજે મેળામાં વલસાડ તાલુકાના 703, પારડીના 207, વાપીના 36, ધરમપુરના 178, કપરાડાના 130, ઉમરગામના 207 અને પાલિકાના 220 લાભાર્થી મળી કુલ 1681ને સહાય મળી હતી.

Related posts

સંઘપ્રદેશના પૂર્વ પ્રશાસક સત્‍ય ગોપાલે ક્રિમિનલ બદનક્ષીના એક કેસમાં દમણ કોર્ટમાં આપી હાજરી

vartmanpravah

નવસારીની કાલિયાવાડી આંગણવાડી ખાતે જન્માષ્ટમીની કરાયેલી ઉજવણી

vartmanpravah

સરીગામમાં ભાજપના ઉમેદવાર ધવલ પટેલના પ્રચાર અર્થે અગ્રણી મનીષ રાયે બોલાવેલી વિશાળ સભા

vartmanpravah

ગ્રામ પંચાયત ડેવલપમેન્‍ટ પ્‍લાન-2025-‘26 ‘સબકા સાથ, સબકા વિકાસ’ અંતર્ગત સોમનાથ ગ્રામ પંચાયતની મળેલી ગ્રામસભામાં કંપની કંપનીએ હપ્તા ઉઘરાવવા જવાનો સમય મળે પરંતુ લોકોની સમસ્‍યા દૂર કરવા માટે સમય નથીઃ સોમનાથ આગેવાન ઈશ્વરભાઈ પટેલનો સોમનાથ ગ્રા.પં.ના સરપંચ અને જિ.પં.સભ્‍યોને સોંસરો પ્રશ્ન

vartmanpravah

સંઘપ્રદેશ પ્રશાસન, કોસ્‍ટગાર્ડ અને સ્‍થાનિક યુવાનોના સંયુક્‍ત પ્રયાસથી બારિયાવાડના દરિયા કિનારે ન્‍હાવા પડેલા બે યુવાનોને ડૂબતા બચાવાયા

vartmanpravah

‘સેલવાસ સ્‍માર્ટ સીટી લિમીટેડ’ દ્વારા વિશ્વ સાયકલ દિવસના ઉપલક્ષમાં સાયકલના ઉપયોગને પ્રોત્‍સાહન આપવા આયોજન કરાયેલા વિવિધ કાર્યક્રમો

vartmanpravah

Leave a Comment