વાપીમાં રોટરી થનગનાટ નવરાત્રીના આયોજકોને શુભેચ્છા આપી : વલસાડ મોંઘાભાઈ હોલમાં ધારાસભ્ય સાથે આરતીનો લાભ લીધો
(વર્તમાન પ્રવાહવાપી બ્યુરો)
વાપી, તા.04: વલસાડ જિલ્લામાં આસો સુદ-1 ગુરૂવારથી માઁ જગદંબાની નવલી નવરાત્રીનો આસ્થા પૂર્વક વાપી-વલસાડ સહિત તમામ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પ્રારંભ થઈ ગયો છે. નવરાત્રીના પ્રથમ નોરતાએ નાણામંત્રી કનુભાઈ દેસાઈએ વાપી-વલસાડમાં નવરાત્રી મહોત્સવમાં સપરિવાર ઉપસ્થિત રહીને માતાજીની આરતી અને દર્શનનો લાભ લીધો હતો.
વાપીમાં રોટરી ક્લબ દ્વારા નવરાત્રી મહોત્સવ થનગનાટ 2024નું ભવ્ય આયોજન છરવાડા રોડ સ્થિત રોફેલ કોલેજના ગ્રાઉન્ડમાં કરવામાં આવ્યું છે. ગુરૂવારે પ્રથમ નવરાત્રીની આરતીનો પ્રારંભ નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે કરવામાં આવ્યો હતો. નાણામંત્રીએ થનગનાટ રોટરી મહોત્સવના આયોજનને બિરદાવ્યું હતું. છેલ્લા 22 વર્ષથી સફળતાપૂર્વક આયોજન કરવામાં આવી રહ્યું છે તે બદલ રોટરી પરિવારને બિરદાવ્યો હતો. વાપી મેટ્રોપોલીટન સિટી છે. સમગ્ર દેશના લોકો પોતાના તહેવાર ઉત્સાહ પૂર્વક ઉજવણી કરે છે. નાણામંત્રીએ ગ્રાઉન્ડની મુલાકાત લીધી હતી અને ખેલૈયાઓને પ્રોત્સાહિત કર્યા હતા. ગુરૂવારે વાપી રોટરી નવરાત્રીની મુલાકાત બાદ નાણામંત્રી વલસાડ પહોંચ્યા હતા. મોંઘાભાઈ હોલમાં ધારાસભ્ય ભરતભાઈ પટેલ અને આયોજકોને મળી માતાજીના દર્શનનો લાભ લીધો હતો.
—-