અંકલેશ્વર નિવાસી અલ્પેશ રમણભાઈ ટ્રેનમાં ચઢતા પડી ગયા હતા, જી.આર.પી. જવાન યોગેશ જગુભાઈએ દોડી જીવ બચાવ્યો
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.04: વાપી રેલવે સ્ટેશન ઉપર ગુરૂવારે સાંજે દિલધડક ઘટના ઘટી હતી. ચાલુ થઈ ગયેલી ટ્રેનમાં અંકલેશ્વરનો પ્રવાસી ચઢવા જતો હતો ત્યારે પગ લપસી લડતા નીચે ટ્રેનના પાટા ઉપર ઘૂસી જાય તે પહેલા હાજર જી.આર.પી. જવાને દેવદૂત બની મુસાફરને બચાવી લીધો હતો.
વાપી રેલવે સ્ટેશન ઉપર ગુરૂવારે મોડી રાત્રે દિલધડક ઘટના બની હતી. પ્લેટફોર્મ ઉપરથી અમદાવાદ તરફ જઈ રહેલી ચાલુ ટ્રેનમાં ચઢવાની અંકલેશ્વરના નિવાસી મુસાફર અલ્પેશ રમણભાઈએ કોશીશ કરી હતી. પરંતુ તેમનો પગ લપસી જતા ટ્રેનમાંથી નીચે પટકાયા હતા ત્યાં ફરજ ઉપર હાજર જી.આર.પી. પોલીસ કોન્સ્ટેબલ યોગેશ જગુભાઈની નજર પડતાની સાથે જ બાજ ઝડપે દોડી જઈને અલ્પેશભાઈ રેલવે પાટા ઉપર સરકી જાય તે પહેલાં દેવદૂત બનીને ખેંચી લઈ મુસાફર અલ્પેશભાઈનો જીવ બચાવ્યો હતો. પ્લેટફોર્મ ઉપર હાજર મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા. પરંતુ પોલીસ જવાનની સમય સુચકતા આધિન એક કરૂણાંતિકા ઘટતા ઘટતા અટકી ગઈ હતી.