ઈજાગ્રસ્ત એક યુવાન સેલવાસ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.06 : દાદરા નગર હવેલીના સાયલી ગામ ખાતે ભીલોસા કંપનીના ગેટ નંબર 1 પાસેથી બાઈક ઉપર ત્રણ યુવાનો સવાર થઈ રહ્યા હતા. તે સમયે ત્યાંથી પસાર થઈ રહેલ એક ટ્રકચાલકે બાઈકને ટક્કર મારી દીધી હતી. આ ઘટનામાં બાઈક ઉપર સવાર ત્રણ પૈકી બે યુવાનોના ઘટના સ્થળ પર જ કરૂણ મોત થયા હતા અને એકયુવાન ઈજાગ્રસ્ત બનતા સારવાર માટે ખસેડાયો હતો.
પ્રાપ્ત વિગત અનુસાર હરેશ પટેલ (ઉ.વ.30) રહેવાસી ખાંભડા, તાલુકો ચીખલી જે બાઈક નંબર જીજે-21 એકે-0624 પર દાદરા નગર હવેલીના સાયલી ખાતે આવેલી ભીલોસા કંપનીના ગેટ નંબર 1 નજીકથી પસાર થઈ રહ્યા હતા, તે સમયે અચાનક બાજુમાંથી પસાર થતાં બાઈક ટ્રકની અડફેટે આવી ગઈ હતી. બાઈક ઉપર સવાર ત્રણે યુવાનો જોરથી જમીન પર પટકાયા હતા, જેમાંથી બે યુવાનોને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી જેના કારણે તેમના ઘટના સ્થળ પર કમકમાટીભાર્ય મોત થયા હતા જ્યારે હરેશને પણ ગંભીર ઈજાઓ થઈ હતી.
આ અકસ્માતની ઘટના જોતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને પોલીસ તથા ઈમરજન્સી 108 એમ્બ્યુલન્સને કોલ કર્યો હતો. સાયલી પોલીસની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને ઈજાગ્રસ્ત યુવાનને 108 એમ્બ્યુલન્સ દ્વારા સારવાર અર્થે સેલવાસની સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. મૃતક બે યુવાનોની લાશનો કબ્જો લઈ પોસ્ટમોર્ટમ (પી.એમ.) માટે સિવિલ હોસ્પિટલમાં મોકલી દેવામાં આવી હતી. આ ઘટના અંગેની ફરિયાદ નોંધી વધુ તપાસ સાયલી પોલીસ કરી રહી છે.