શેરી ગરબામાં નાની બાળાઓથી લઈ 80 વર્ષના વૃદ્ધાઓ પણ જમાવી રહેલા રમઝટ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.06 : દમણ મહિલા મંડળ દ્વારા નવરાત્રિના મહાપર્વ નિમિત્તે આદ્યશક્તિ માઁ અંબા માતાજીના શેરી ગરબાનું આયોજન કર્યું હતું. નવરાત્રિના ત્રીજા દિવસે માતાજીના નવ સ્વરૂપમાં માતા ચન્દ્રઘંટા દેવીની પૂજા-અર્ચના અને આરતી કરી બહેનોએ ખુબ જ આનંદથી શેરી ગરબાની રમઝટ મચાવી મહોત્સવની ઉજવણી કરી હતી.
બહેનોની સંસ્થા મહિલા મંડળે દમણ ખાતે પોતાના ભવનનું નિર્માણ 1988ના વર્ષમાં કર્યું હતું. ત્યારથી આજપર્યંત નવરાત્રિમાં શેરી ગરબાનું આયોજન કરવામાં આવે છે. જેમાં બાળાઓથી લઈ 80 વર્ષના વૃદ્ધા સુધી દરેક ઉંમરની બહેનો ગરબા રમી માતૃશક્તિની આરાધના કરે છે. વિસરાતા ગરબાની વિરાસતનેજીવંત રાખવાનો આવકારદાયક પ્રયાસ શેરી ગરબાના માધ્યમથી દમણ મહિલા મંડળ દ્વારા કરવામાં આવી રહ્યો છે. નામશેષ થઈ જવાના આરે ઉભેલા શેરી ગરબાને બહેનોએ પરંપરાગત રીતે પ્રારંભ કરી સંસ્કૃતિને જાળવી રાખવા બદલ વડિલ બહેનોને ધન્યવાદ અને અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે.