(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.15: વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના મુરદડ ગામમાં સાવિત્રીબાઈ ફૂલે અનાથ અને જરૂરિયાતમંદ બાળકો માટે સમર્પિત આશ્રમમાં સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમનો ઉદ્દેશ અનાથ અને જરૂરિયાતમંદ બાળકોના ઉત્કર્ષ માટે છે. આ પ્રસંગેએનઆરઆઈ દાતાશ્રીઓ સાથે સુરત, બારડોલી, વ્યારા, વલસાડ, ખેરગામ અને ધરમપુરના અગ્રણી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમમાં શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલના સહયોગથી ગોપાલ રામા ચેરીટેબલ ટ્રસ્ટ અને પ્રકળતિ જનસેવા ચેરીટેબલ ટ્રસ્ટના દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 40 બોટલ બ્લડ ડોનેટ કરવામાં આવ્યું હતું.
પ્રેમ રાવતજીના જન્મદિવસ નિમિત્તે સાંજે 6 વાગ્યે કેક કાપવામાં આવ્યો અને શાંતિના સંદેશ સાથે તેમની એક કલાકની ફિલ્મ પ્રદર્શિત કરવામાં આવી હતી. ત્યારબાદ બાળકો દ્વારા વિવિધ સાંસ્કળતિક કાર્યક્રમો યોજાયા, જેમાં ગીત-નૃત્ય તેમજ નાટય-દર્શનને દર્શકોનો ઉત્સાહભર્યો પ્રતિસાદ મળ્યો હતો.
કાર્યક્રમનું ઉદ્ધાટન નરેન્દ્રભાઈ ભકત અને ગીતાબેન ભકતના હસ્તે કરવામાં આવ્યું હતું, જ્યારે અધ્યક્ષતાની ભૂમિકા કેપ્ટન એ.ડી. માણેક સરે ભજવી, જે વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ હોલ્ડર તેમજ ચીફ પાયલોટ ઈન્સ્ટ્રકટર છે.
આ પ્રસંગનું આયોજન સંસ્થાના સંસ્થાપક નિલેશભાઈ નિકુળીયા અને હીનાબેન નિકુળીયા સાથે મંત્રી પ્રવીનભાઈ ઓરણાવાલા અને ચિંતુભાઈ ભેયાએ સફળતાપૂર્વક સંચાલિત કર્યું હતું. દાતાશ્રીઓ અને સ્વયંસેવકોના સહકારથી સમગ્ર કાર્યક્રમ શુભ અને યાદગાર રહ્યો હતો.
આમ, આ સ્નેહમિલન કાર્યક્રમ અનાથ બાળકોમાટે આશ્રયસ્થાન અને પ્રેરણાનું કેન્દ્ર બની રહે તેવા પ્રયત્નોની અનોખી પધ્ધતિ બની રહી છે.