(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.07 : કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રશાસનના યુવા બાબતો અને રમત-ગમત વિભાગ દ્વારા પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ યુવા કાર્યક્રમ અને રમત-ગમત વિભાગના સચિવ ડૉ. અરુણ ટી. અને રમત-ગમત વિભાગના નિર્દેશક શ્રી અરુણના ગુપ્તાના સહયોગથી રમત-ગમત સંસ્કળતિ વિકાસ માટે દમણમાં જિલ્લા કક્ષાની આંતર શાળા રમત-ગમત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.
દમણ જિલ્લા આંતર શાળાકીય રમત-ગમત સ્પર્ધામાં ફૂટબોલ અને ખો-ખો અંડર 14, 17, 19 ગર્લ્સ અને બોયઝ સ્પર્ધાનું આયોજન તા.05/10/2024 થી 11/10/2024 દરમિયાન કરવામાં આવી રહ્યું છે.
દમણ જિલ્લા આંતર શાળાકીય રમત-ગમત સ્પર્ધામાં અન્ડર-17 કન્યાઓ માટે ખો-ખો સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ખો-ખો સ્પર્ધામાં 17 શાળાઓની ટીમોએ ભાગ લીધો હતો. આ જિલ્લા કક્ષાની સ્પર્ધાના વિજેતાખેલાડીઓ સંઘપ્રદેશ કક્ષાની સ્પર્ધામાં દમણ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે.
આજે યોજાયેલી દમણ જિલ્લ્લા આંતર શાળા અંડર-17 ગર્લ્સ ખો-ખો સ્પર્ધામાં સરકારી ઉચ્ચ પ્રાથમિક મોડેલ શાળા, નાની દમણ પ્રથમ સ્થાને આવી હતી જ્યારે
બીજા સ્થાને સરકારી ઉચ્ચ પ્રાથમિક શાળા ઝરી, મોટી દમણ રહી હતી અને સરકારી હાઈસ્કૂલ નાની દમણ ત્રીજા સ્થાને રહી હતી.
જિલ્લા કક્ષાની ખો-ખો સ્પર્ધાના વિજેતા ખેલાડીઓને વિભાગના અધિકારીઓ દ્વારા ટ્રોફી અને મેડલ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.
