મીઠાઈઓની દુકાનમાં ચકાસણી દરમિયાન ન.પા.એ સિંગલ યુઝ પ્લાસ્ટિકનો પ0 કિલોનો જથ્થો પણ ઝડપી પાડી ફટકારેલો દંડ
(વર્તમાનપ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.13: દાદરા નગર હવેલી ફૂડ એન્ડ સેફટી વિભાગ અને સેલવાસ નગર પાલિકા દ્વારા સંયુક્ત રૂપે મીઠાઈની દૂકાનોમા નજીકના દિવસોમા દિવાળીનો તહેવાર આવી રહ્યો છે જેને ધ્યાનમા લઇ મીઠાઈઓ અને એમા ઉપયોગમા લેવામાં આવતા માવાની ચકાસણી કરવામાં આવી હતી અને એમાંથી સેમ્પલો પણ લેવામાં આવ્યા હતા સાથે જે ફરસાણ બનાવવા માટે તેલનો જે ઉપયોગ કરવામાં આવે છે એના પણ સેમ્પલો લેવામાં આવ્યા હતા. પાલિકાના અધિકારીઓએ દુકાનમાં ઉપયોગમાં લેવામાં આવતી સિંગલ યુઝ પ્લાસ્ટિકની થેલીઓ સહિતની વસ્તુઓ તેમજ કોલ્ડ્રીંક્સ, પાણીની બોટલો એક્સપાયરી ડેટવાળી છે કે નહિ તેની પણ ચકાસણી કરવામાં આવી હતી.
આ અભિયાન અંતર્ગત શહેરની સાત મિઠાઈની દુકાનોમાંથી વિવિધ મિઠાઈઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા. આ પ્રયાસનો મુખ્ય હેતુ લોકો સુધી શુદ્ધ અને સલામત ખાદ્ય પદાર્થો પહોંચે તે સુનિヘતિ કરવાનો હતો. દિવાળીના સમયગાળામાં મિઠાઈની માંગમાં વધારો થાય છે, જેના કારણે ભેળસેળવાળી અને ઓછી ગુણવત્તાની મિઠાઈઓ વેચાણમાં આવે તેવા સંભાવનાઓ વધુ રહે છે. તેથી ફૂડ વિભાગે નગર પાલિકાના સહયોગ સાથે ખાસ મિઠાઈની ગુણવત્તા તપાસ અભિયાન ચલાવવાનું નક્કી કર્યું છે.મીઠાઈની દુકાનોમાં વિવિધ મીઠાઈ, માવો, એક્સપાયરી તારીખ વગેરે ચેક કરવામાં આવ્યા હતા.
સેલવાસની સાત દુકાનોમાં કાવેરી સ્વીટ, બ્રીજવાસી સ્વીટ, જૈન સ્વીટ, મથુરા સ્વીટ, એસ.બ્રીજવાસી સ્વીટ, શ્રીનાથ સ્વીટ એન્ડ નમકીન, જોધપુર સ્વીટ જેમાંથી મીઠાઈના સેમ્પલો સહિત ઉપયોગમાં લેવામાં આવતા ઘી અને તેલના પણ સેમ્પલો લેવામાં આવ્યા હતા.
ફૂડ વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે, જે સેમ્પલ લેવામાં આવ્યા છે તેને તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવશે અને પરિણામો અનુસાર યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. કોઈ પણ પ્રકારની ખામીઓ જણાય તો તે દુકાનદારો સામે કાયદેસર પગલાં લેવામા આવશે.આ ઝુંબેશ હજીપણ ચાલું રહેશે અને જો કોઈપણ મીઠાઈની દુકાનવાળા ભેળસેળ કરતા જોવા મળશે તો તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
આ કાર્યવાહીમાં પાલિકા ચીફ ઓફિસર શ્રી સંગ્રામ શિંદે, ડો.એસ.કુમાર, હેલ્થ અને ફૂડ વિભાગના ડો.મનોજ સિંહ, ફૂડ ઈન્સ્પેક્ટર શ્રી કેતન પરમાર, પાલિકાની ટીમ ઉપસ્થિત રહી હતી. સેલવાસની સાત જેટલી મીઠાઈની દુકાનોમાંથી સેમ્પલો લેવામાં આવ્યા હતા અને સિંગલ યુઝ પ્લાસ્ટીકનો પચાસ કિલો જથ્થો પણ મળી આવતા પાંચ હજાર રૂપિયાનો દંડ કરવામાં આવ્યો હતો.