(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.13: શનિવારે દશેરાના દિવસે સેલવાસ નરોલી રોડ સ્વામિનારાયણ મંદિર પાછળ દમણગંગા નદી કિનારે એક યુવાન પોતાની મોપેડ ધોઈ રહ્યા તે સમયે તેનો પગ લપસી જતાં પાણીમાં ગરકાવ થતાં ડૂબી ગયો હતો. નદીના પાણીમાં ડૂબી જતાં યુવકનું મોત થયું હતું.
પ્રાપ્ત માહિતી પ્રમાણે નીતીશ યાદવ રહેવાસી પીપરીયા, સેલવાસ અને મૂળ રહેવાસી ઉત્તર પ્રદેશ. જે એના મિત્ર સાથે શનિવારે દશેરા દિવસે સવારે 11:00 વાગ્યાના સુમારે પોતાનું જ્યુપીટર મોપેડ લઈને સેલવાસ-નરોલી રોડ અથાલ સ્વામિનારાયણ મંદિર પાછળ દમણગંગા નદીના જૂના પુલ પાસે મોપેડ ધોઈ રહ્યો હતો તે સમયે યુવાન નીતિશ યાદવનો અચાનક પગ લપસી ગયો હતો અને તે નદીના ઊંડા પાણીમાં જતો રહ્યો હતો. નીતિશને ડૂબતો જોઈ એના મિત્રએ થોડે દૂર સુધી શોધવાનો પ્રયાસ કર્યો હતો, પણ નીતીશનો ક્યાંય પત્તો લાગ્યો નહીં હતો. ત્યારબાદ નીતિશ યાદવના મિત્રએ તેના પરિવારને તેમજ ફાયર અને પોલીસ વિભાગને ફોન કરી ઘટના અંગેની જાણ કરી હતી. ફાયરની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી યુવાનને શોધવાની તજવીજ હાથ ધરી હતી, પણ મળી આવેલ નહિ. સાંજે 6:00 વાગ્યાના સુમારે ફાયર વિભાગના લાશ્કરોની કઠીણ મહેનત બાદયુવાનની લાશ મળી આવી હતી.
ત્યારબાદ પોલીસે નીતિશ યાદવની લાશનો કબ્જો લીધો હતો અને પોસ્ટમોર્ટમ માટે સેલવાસની શ્રી વિનોબા ભાવે સિવિલ હોસ્પિટલમાં મોકલી આપી હતી. આ ઘટના અંગેની ફરિયાદ નોંધી વધુ તપાસ નરોલી પોલીસ કરી રહી છે.