ડુંગરી ના સેવાભાવી કાર્યકર જગદીશ ખારા ના પરિવાર દ્વારા તેમના માતા પિતા ની સ્મૃતિમાં કરાયું આયોજન
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.23: વલસાડ તાલુકા ના ધરાસણા ગામ ખાતે આવેલ ચિલ્ડ્રન હોમ ખાતે રાખવામાં આવેલ બાળાઓ ને વસ્ત્રો નું વિતરણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. ડુંગરી ગામ ના સેવાભાવી કાર્યકર જગદીશ ખારા દ્વારા તેમના પિતા સદ્દગત મણિલાલ ખારા અને માતા સદ્દગત ચંપાબેન ખારા ની પુનિત સ્મૃતિ માં ચિલ્ડ્રન હોમ ની તમામ બાળાઓ ને વસ્ત્રો નું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે પ્રાસંગિક ઉદબોધન માં સામાજિક કાર્યકર જગદીશ ખારા એ જણાવ્યું હતું કે ગુજરાત સરકાર ના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા નિરાધાર અને અનાથ બાળકો ની સુરક્ષા, દેખરેખ,માવજત અને શિક્ષણ આપવાનું ઉમદા કાર્ય કરવામાં આવે છે. ધરાસણા ગામ ખાતે ના આ ચિલ્ડ્રન હોમ નું સંચાલન એગ્રીક્લચર અને રૂરલ ડેવલોપમેન્ટ ફાઉન્ડેશન સંસ્થા ના પ્રમુખ તારાબેન ખાંડાવાલા હસ્તક ચાલી રહયું છે.તેમણે કહયું કે તેમના માતા પિતા એ તેમને સેવા અને સંસ્કાર નો વારસો આપ્યો છે. સમાજ ના નિરાધાર અને તરછોડાયેલા લોકો અને બાળકો પ્રત્યે તેમના પિતા મણિલાલ ખારા ને અપાર પ્રેમ અને લાગણીઓ હતી. એટલે તેમની પુનિત યાદ માં દર વર્ષે જુદા જુદા વિસ્તાર માં જઈ તેમના પરિવાર દ્વારા ગરીબ, નિરાધાર અને પછાત બાળકો ને સહાય કરવાનો સેવા યજ્ઞ કરવામાં આવી રહયો છે..આ પ્રસંગે સંસ્થા ના પ્રમુખ તારાબેન ખાંડાવાલા એ ચિલ્ડ્રન હોમ ની જાણકારી આપી જગદીશ ખારા અને તેમના પરિવાર ની સેવા ભાવના ને બિરદાવી હતી. આ પ્રસંગે ચીખલી ના જાદુગર ડી. રાજા એ જાદુ નો કાર્યક્રમ રજુ કરી બાળકો ને મનોરંજન પૂરું પાડ્યું હતું..
આ કાર્યક્રમ માં વલસાડ ના એડવોકેટ જગદીશ પટેલ, નિલય ખારા, ઉર્વીબેન ખારા, ચિલ્ડ્રન હોમ ના હિનાબેન પટેલ,ઈલા બેન પટેલ અને સ્ટાફ હાજર રહયા હતા.