(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.25: ચીખલી તાલુકા પંચાયતની યોજાયેલી ખાસ સામાન્ય સભામાં સ્ટેમ્પ ડ્યુટીના 80-લાખ રૂપિયાની વધુના કામોના આયોજનને મંજૂરી આપવામાં આવીહતી. સ્ટેમ્પ ડ્યુટીની ગ્રાન્ટમાં રેઇન વોટર હાર્વેસ્ટિંગ માટે પણ જોગવાઈ કરવામાં આવી હતી.
તાલુકા પંચાયતના સભાખંડમાં પ્રમુખ રાકેશભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને ટીડીઓ ચેતનભાઈ દેસાઈ, કારોબારી ચેરમેન દમયંતીબેન આહિર, ઉપપ્રમુખ રમેશભાઈ ન્યાય સમિતિના અધ્યક્ષ જશુભાઈ ગાંગોડા, પૂર્વ પ્રમુખ કલ્પનાબેન ગાવિત દંડક પંકજભાઈ શાસક પક્ષના નેતા અશ્વિનભાઈ દેસાઈ, ઉપરાંત સ્નેહલ નાયક, નરેન્દ્રભાઈ, ધર્મેશભાઈ, દક્ષાબેન, વૈભવભાઈ બારોટ, હીનાબેન મહેશભાઈ સહિતના તાલુકા પંચાયતના સભ્યોની ઉપસ્થિતિમાં યોજાયેલી સામાન્ય સભામાં ગત સામાન્ય સભાની કાર્યવાહીને બહાલી આપવામાં આવી હતી. સામાન્ય સભામાં વર્ષ 2018-19 ના વર્ષની સ્ટેમ્પ ડ્યુટીના કામોની ફેર દરખાસ્તને તથા વર્ષ 2020-21 ના વર્ષની સ્ટેમ્પ ડ્યુટીના 80-લાખ રૂપિયાથી વધુના કામોના આયોજનને મંજૂરી આપવામાં આવી હતી. આ ઉપરાંત વિકાસના કામો સમય મર્યાદામાં કામ પૂર્ણ ન કરનાર ઈજારદારો-એજન્સીઓ પાસેથી નિયમોનુસારનો વિલંબિત ચારજની વસુલાત કરવાનું પણ ઠરાવાયું હતું.
સામાન્ય સભામાં પ્રમુખ રાકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે આપણા સાંસદ અને ભારત સરકારના જલ શક્તિ મંત્રલાયના કેબિનેટ મંત્રી સી.આર.પાટીલના વરસાદના પાણીને જમીનમાં ઉતારી બોર રિચાર્જ કરવાના ભૂગર્ભજળની સ્થિતિ સુધારવા માટેના રેઇન વોટર હાર્વેસ્ટિંગના કામ માટે પણ સ્ટેમ્પ ડ્યુટીની ગ્રાન્ટમાં જોગવાઈ કરવામાં આવી છે. સાથે સમગ્ર આયોજનમાં દરેક વિસ્તારમાં પ્રાથમિકતાના ધોરણે કામોને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે.
સામાન્ય સભામાં કામોની ટેકનિકલ માહિતી અધિક મદદનીશ ઈજનેર રજતભાઈ ગૌરવભાઈ ભીમાણી સહિતના સ્ટાફે આપી હતી. સભામાં ટીપીઇઓ વિજયભાઈ સીડીપીઓ શારદાબેન પશુ ચિકિત્સક ડો.કે.ડી.પટેલ વિસ્તરણ અધિકારી કેતનભાઈ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.