પતિ-પત્ની અને પૂત્રને માર માર્યો : પ્રથમ વાપી બાદ વલસાડ સિવિલમાં સારવાર હેઠળ : પોલીસે ત્રણને રાઉન્ડઅપ કર્યા
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.27
વાપી ડુંગરી ફળીયા વિસ્તારમાં બે દિવસ પહેલાં છેડતી બાબતે પરિવારના વડીલ-પત્ની અને પૂત્ર ઠપકો આપવા ગયેલા. ત્યારે અસામાજીકો કારમાં છ જેટલા ઈસમો આવી પરિવારના ત્રણના હાથ પગ તોડી નાખી ફેક્ચરગ્રસ્ત કરી ભાગી છૂટયા હતા. હાલ તો ડુંગરા પોલીસે જાણવા જોગ નોંધી ત્રણ આરોપીને આજે રાઉન્ડઅપ કર્યા છે. ભોગ બનનાર પરિવારે હજુ સુધી ફરિયાદ નોંધાવી નથી કારણ કે પરિવારના ત્રણેય વલસાડ સિવિલમાંસારવાર હેઠળ છે.
પ્રાપ્ત વિગતો જાણવા મળ્યા મુજબ ડુંગરી ફળીયા વાપીમાં રહેતા અને ટ્રેલરનો વ્યવસાય કરતા અશરફઅલી તથા તેમના પિતા અને માતાએ છોટુ પઠાણ નામના ઈસમને છેડતી કરવા બદલ ઠપકો આપ્યો હતો. ઠપકા બાદ છોટુ પઠાણ કારમાં છ જેટલા લુખ્ખા તત્તોવને લઈ આવી પરિવારના હાથ પગ તોડી નાખ્યા હતા. ઈજાગ્રસ્ત અશરફ અને માતા-પિતાને વાપીમાં પ્રથમ અને ત્યારબાદ વલસાડ સિવિલમાં સારવાર માટે ખસેડાયા હતા. ડુંગરા પોલીસે હાલ તો જાણવા જોગ લખીને ત્રણને રાઉન્ડઅપ કર્યા છે. પોલીસનું કહેવું છે કે, હજુ સુધી ભોગ બનનાર પરિવાર દ્વારા ફરિયાદ નોંધાવાઈ નથી તેથી આગળની કાર્યવાહી બાકી છે.