પાલઘર-દહાણું વિધાનસભા ચૂંટણી ક્ષેત્રમાં પ્રચાર માટે વલસાડ જિલ્લા ભાજપે પણ તૈયારીઓ શરૂ કરી દીધી
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.07: ગુજરાતના પડોશી રાજ્યમાં વિધાનસભા ચૂંટણી પ્રચારના રણશિંગા ફુંકાવા શરૂ થઈ ગયા છે. 2024 ની આ ચૂંટણી ભાજપ, શિવસેના અને મહાઅગાડી વચ્ચે કાંટાની ટક્કર સાથે પ્રતિષ્ઠાનો જંગ બની ચૂકી છે. તેથી વલસાડ જિલ્લા ભાજપના કાર્યકરો-ધારાસભ્યો, સાંસદ ધવલ પટેલના નેતૃત્વમાં મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી ક્ષેત્ર પાલઘર અને દહાણું વિસ્તારમાં પ્રચાર માટે જોડાઈ ગયા છે.
મહારાષ્ટ્રમાં આ મહિનાની તા.20 નવેમ્બરના રોજ વિધાનસભાની ચૂંટણી યોજાઈ રહી છે. જેની નજર રાષ્ટ્રીય રાજકારણની રહી છે. ચૂંટણીમાં શરદ પવાર, ઉદ્દવ ઠાકરે અને કોંગ્રેસની મહાઅગાડી તથા ભાજપ, શિવસેના અને એન.ડી.એ.ના સાથી પક્ષો વચ્ચે સીધો મુકાબલો છે ત્યારે અતિ રસપ્રદ બની ચૂકેલી મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી પ્રચાર પણ જોરશોરથી શરૂ થઈ ચૂક્યો છે. ચૂંટણી પ્રચારમાં વલસાડ જિલ્લા ભાજપે પણ સક્રિયતા દાખવી છે. વલસાડ સાંસદ ધવલ પટેલ, ધારાસભ્યશ્રીઓ ધરમપુર અરવિંદ પટેલ, ગણદેવી ધારાસભ્યનરેશ પટેલ, પૂર્વ ધારાસભ્ય શંકર વારલી સહિજ ભાજપના આગેવાનો દ્વારા દહાણું-પાલઘર વિસ્તારના ભાજપ એન.ડી.એ.ના ઉમેદવારો પ્રચારના શ્રી ગણેશ કરી લીધા છે. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી તમામ રાજકીય પક્ષો માટે પ્રતિષ્ઠાનો જંગ બની ચૂકી છે.