સરદાર પટેલની પ્રતિમાની જાળવણીમાં થઈ રહેલી ઉપેક્ષાઃ બગીચાનું જતન અને સફાઈનો પણ જોવા મળી રહેલો અભાવ
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.07: તાજેતરમાં તા.31મી ઓક્ટોબરના રોજ ગુજરાતના સપૂત એવા સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની જન્મ જયંતિની ઉજવણી વાપી ભાજપ દ્વારા સરદાર ચોકમાં શાનદાર રીતે કરવામાં આવી હતી પરંતુ વાપી નૂતન નગર સ્થિત સરદાર પટેલ ઉદ્યાનમાં પણ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા છે. આ ઉદ્યાનના સરદાર પટેલની ઉજવણીમાં વિસરાઈ ગયા હતા. મહાપુરુષોની જન્મતિથિ એટલા માટે ઉજવવામાં આવે છે કે આજની પેઢી તેમને યાદ રાખે, સમાજમાં તેમના જીવન અને દેશ સેવાની નોંધ લેવાય પરંતુ નૂતન નગરના સરદાર ઉદ્યાનમાં સરદાર વલ્લભભાઈ પટેલ ઉજવણીમાંથી બાકાત રહ્યા હતા. આઘટના સામાજીક શરમ લેખાવી રહી.
વાપી નૂતન નગરમાં 81 લાખને ખર્ચે નગરપાલિકા દ્વારા સુંદર ઉદ્યાનનું નિર્માણ કરાયું છે. નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈના હસ્તે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા સહિત ઉદ્યાનનું લોકાર્પણ કરાયું હતું તેમજ ઉદ્યાનનું નામાભિદાન સરદાર પટેલ ઉદ્યાન તરીકે કરવામાં આવ્યું હતું પરંતુ ઉદ્દઘાટન બાદ ઉદ્યાનનો અને સરદારની પ્રતિમાનો રાખરખાવ- ધીરે ધીરે ઓછો થતો ગયો. આજે ગાર્ડન અને પ્રતિમા દુર્દશાગ્રસ્ત છે. ભાજપ કે પાલિકાનું કોઈ ચકલુ જોવા કે સાર સંભાળ માટે ફરકતું નથી. આ ત્રુટીમાં હવે વધુ એક વધારો થયો છે. વાપી પાલિકા દ્વારા આ ઉદ્યાન પાછળ દર મહિને સાર સંભાળ માટે ખર્ચો કરે છે પરંતુ આ ખર્ચો ક્યાં થઈ રહ્યો છે તે દેખાતું નથી. સરદાર પટેલની જન્મ જયંતિની ઉજવણીમાં નૂતન નગરના સરદાર ઉદ્યાનના સરદાર પટેલ ધરાર વિસરાઈ ગયા છે.