ખાનવેલના રૂદાના ગામના કલ્પેશ ચિમડાએ પોતાને પોલીસ કર્મચારી હોવાનું જણાવી પીડિતા સાથે વિશ્વાસ કેળવી શારીરિક સંબંધ બાંધી ફોટો-વિડીયો બનાવી વાયરલ કર્યો હતો
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.04 : દાદરા નગર હવેલીના ખાનવેલ નજીકના રુદાના ગામના રહેવાસી યુવાને પડોશના વલસાડ જિલ્લાના કપરાડાના સુલિયા ગામની એક યુવતીની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યા બાદ એના ફોટા અને વિડીયો વાયરલ કરવાનાં કેસમાં દાનહ જિલ્લા કોર્ટ દ્વારા આરોપીને આજે 12વર્ષની સખત સજા ફટકારી હતી.
પ્રાપ્ત માહિતી મુજબ દાદરા નગર હવેલીના સેલવાસ પોલીસ સ્ટેશનમાં વર્ષ 2021ના ડિસેમ્બર મહિનામાં પડોશમાં આવેલ ગુજરાતના કપરાડા તાલુકાના સુલિયા ગામની પીડિતાએ ફરિયાદ નોંધાવી હતી. જેમાં યુવતિએ જણાવ્યું હતું કે, કે ખાનવેલના રુદાના ગામનો યુવાન કલ્પેશ છોટુભાઈ ચિમડા જે પોતાને પોલીસ કર્મચારી હોવાનું જણાવી છેતરપિંડી કરી તેણી સાથે વિશ્વાસ કેળવી ત્યારબાદ શારીરિક સંબંધ બનાવી પીડિતાને જાણ કર્યા વગર તેમના ફોટો અને વિડીયો ક્લીપ કરી એ વિડીયો અને ફોટો વાયરલ કરી દીધા હતા. આ ઘટના અંગે સેલવાસ પોલીસદ્વારા આઈપીસીની કલમ 419, 420, 376 મુજબ આઈ.ટી. અધિનિયમ આર/ડબ્લ્યુ 67 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ કેસની તપાસ એસ.એચ.ઓ. સબાસ્ટીયન દેવાસિયાને સોંપવામાં આવી હતી. તપાસ દરમ્યાન આરોપી કલ્પેશ છોટુભાઈ ચિમડાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી. ત્યારબાદ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરતા જિલ્લા કોર્ટના ન્યાયાધિશશ્રી સમક્ષ સુનાવણી શરૂ કરવામાં આવી હતી. પુરાવા અને જામીનદારોના નિવેદનો અને રેકોર્ડની તપાસના આધારે એડવોકેટ શ્રી ગોરધન પુરોહીતની ધારદાર દલીલના આધારે આજે 4થી મે,2023ના રોજ ન્યાયાધિશ શ્રી એસ.એસ.અડકર દ્વારા ચુકાદો સંભળાવવામાં આવ્યો હતો. જેમાં આરોપી યુવાનને બળાત્કારની આઇપીસી કલમ 375 મુજબ 12 વર્ષની સખત કેદ અને રૂા.15 હજારનો દંડ અને જો દંડ નહીં ભરે તો વધુ એક વર્ષની સજા ઉપરાંત આઇપીસી 419 અંતર્ગત ગુના માટે વધુ ત્રણ વર્ષનો કારાવાસ અને રૂા.પાંચ હજારનો દંડ તથા જો દંડ નહીં ભરે તો વધુ એક મહિનાની સાધારણ જેલની સજા ફટકારવામાં આવી છે.